પમ્પોર આતંકવાદી હુમલાનો વીડિયો જારીઃ આતંકીઓ ધડાધડ ગોળીઓ છોડતા હતા

શ્રીનગર: પમ્પોર ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાનો ખોફનાર વીડિયો જારી કરવામાં આવ્યો છે. આ આતંકી હુમલામાં આઠ જવાનો શહીદ થયા હતા અને બે આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ હુમલામાં ર૧ જવાનો ઘાયલ પણ થયા હતા.
આ ખોફનાક આતંકી હુમલામાં એકે-૪૭ રાઇફલથી ધડાધડ ગોળીઓ છોડવામાં આવતી હોવાના અવાજ સ્પષ્ટપણે વીડિયોમાં સાંભળવા મળે છે. તેના પરથી પમ્પોર આતંકી હુમલા વખતે આસપાસના લોકોની હાલત કેવી થઇ હશે તેની કલ્પના કરી શકાય છે, પરંતુ આ હુમલા સ્થળની નજીકના એક ઘરમાં બેઠેલા એક શખ્સે હિંમત દાખવીને મોબાઇલથી આ અંધાધૂંધ ફાયરિંગનો વીડિયો ઉતાર્યો હતો, જેમાં આતંકીઓ એકે-૪૭ રાઇફલથી ધડાધડ ગોળીઓ છોડી રહ્યા હતા.
વીડિયોમાં સીઆરપીએસની બસ નીચે ઊભેલો એક આતંકી ધડાધડ ગોળીઓ છોડતો સ્પષ્ટપણે દેખાય છે. આ ગોળીઓ લાગવાથી બસના કાચ કઇ રીતે તૂટી રહ્યા છે તે પણ વીડિયોમાં દેખાય છે. લગભગ બે મિનિટના આ વીડિયોમાં ફાયરિગનો સતત અવાજ સંભળાઇ રહ્યો છે.
પમ્પોર હુમલા અંગે સીઆરપીએફને એલર્ટ જારી કરાયું હતું
સીઆરપીએફએ જો ગુપ્તચર એલર્ટને ગંભીરતાથી લીધી હોત તો પમ્પોરમાં શનિવારે થયેલા આતંકી હુમલામાં પોતાના આઠ જવાનો ગુમાવવા પડ્યા ન હોત. તમામ સુરક્ષા એજન્સીઓએ સમયસર એલર્ટ આપ્યું હતું કે શ્રીનગરથી અનંતનાગ વચ્ચે ખાસ કરીને પમ્પોર અને અવંતીપુરા સુધી આતંકીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે.
સીઆરપીએફના સંબંધિત અધિકારી અા એલર્ટ અંગે કંઇ પણ કહેવાનું ટાળી રહ્યા છે, પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે શનિવારે સવારે ૭-૦૦ વાગ્યે આ એલર્ટ જારી કરાયું હતું, તેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે સીઆરપીએફના વાહનોને આતંકીઓ નિશાન બનાવી શકે છે તેમ છતાં સીઆરપીએફ દ્વારા કોઇ તકેદારી દાખવવામાં નહીં આવતાં સાંજે હુમલો થયો હતો.
સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે પણ જણાવ્યું હતું કે સીઆરપીએફના જવાનો દ્વારા કોઇ ભૂલ થઇ છે કે નહીં તે બાબતે અમે તપાસ કરીશું. જમ્મુ-કાશ્મીર પોલીસે પણ એક ચેનલ સમક્ષ એવું નિવેદન કર્યું છે કે અમે આ પ્રકારના હુમલાની અગાઉથી આશંકા વ્યકત કરી હતી અને સીઆરપીએફને આ અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું તેમ છતાં તેમના દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યાં ન હતાં.
મનોહર પારિકરે પણ જણાવ્યું હતું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. હું માનું છું કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ફોલો કરવામાં આવી ન હતી. તપાસ બાદ જ તેનું સાચું કારણ જાણવા મળશે.

You might also like