શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક અનુભૂતિ કરાવતાં હોય તથા જેની યાત્રા કરવાની દરેક ભાવિકોને ઇચ્છા થતી હોય તેવું પવિત્ર નામ એટલે ભાવનગર જિલ્લાનું શેત્રુંજય પર્વતની ટોચ પરનું પાલિતાણાનું જૈન તીર્થ સ્થળ.

પાલિતાણાનાં જૈન મંદિર ઉત્તર ભારતીય વાસ્તુશિલ્પને અનુસાર બનાવવામાં આવ્યાં છે. શેત્રુંજય પર્વતની ટોચ પર 900 કરતાં પણ વધારે મંદિર આવેલાં છે. જૈન મંદિર 24 તીર્થંકર ભગવાનને સમર્પિત છે. મંદિરને ખૂબ જ ઝીણવટપૂર્વક અને સુંદર રીતે નિર્મિત કરવામાં આવ્યાં છે.

પર્વતની તળેટીમાં આવેલી એક નાનકડી દેરીથી લઇને મંદિરોની શરૂઆત થાય છે. છેક ટોચ પર પહોંચવા માટે 3745 પગથિયાં ચઢવાં પડે અને લગભગ દર પાંચ સાત પગથિયે એક મંદિર તો આવી જ જાય. શેત્રુંજય પર આવેલ જૈન મંદિર પહેલા તીર્થકર ઋષભદેવ જેમને આદિનાથ પણ કહે છે તેમને અર્પિત છે.

પૌરાણિક વાત પ્રમાણે શેત્રુંજય પર્વત પર જ નેમિનાથ ભગવાન સિવાયનાં તમામ તીર્થંકર નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ પ્રાપ્ત કર્યા બાદ તેમને સિદ્ધક્ષેત્ર કહેવામાં આવતા હતાં.  11 મી અને 12 મી સદીમાં બનેલાં આ મંદિરને બે ભાગમાં બનાવવામાં આવ્યાં છે. પાલિતાણાનાં મંદિરોને ટક્સ કહેવામાં આવે છે. મુગલોના શાસન દરમિયાન પાલિતાણાના રાજા ઉનાદજીએ શિહોર પર આક્રમણ કર્યું તેના વિરોધમાં ભાવનગરના રાજા ગોહિલ વાખટસિંહજીએ પાલિતાણા પર આક્રમણ કર્યું. પરંતુ રાજા ઉનાદજીએ દ્રઢતા અને સાહસ સાથે ભાવનગરના રાજાને પરાજીત કરી દીધા હતા.

આ પવિત્ર યાત્રામાં સ્વચ્છતાને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે સમગ્ર યાત્રા દરમિયાન કોઇ પણ પ્રકારની ખાદ્ય-સામગ્રી સાથે રાખવામાં આવતી નથી. ચઢાણ દરમ્યાન દરેક સ્થળે શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણીના નળ મૂકવામાં આવેલા છે.

શેત્રુંજય પર્વતની યાત્રાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ માનવામાં આવે છે. જો યાત્રાળુઓ પગપાળા ન ચઢી શકે તેમ હોય તો તેમના માટે પાલખીની સુવિધા પણ ઉપલબ્ધ છે. દેરાસરો અને મંદિરો ખૂબ કલાત્મક રીતે બનાવવામાં આવ્યાં છે. દરેક દેરાસરોમાં તીર્થકરોની મૂર્તિઓને રત્નજડિત આંખથી શણગારવામાં આવી છે.

અહીં આવેલાં ઘણાં મંદિરો વર્ષો જૂનાં અને નવિનીકરણ પામેલાં છે. તીર્થકરોની સાથે સાથે અહીં હિંદુ દેવ દેવીઓનાં પણ મંદિરો આવેલાં છે. આ ઉપરાંત એક દેરી મુસ્લિમ સંત અંગાર પીરની પણ આવેલી છે, જ્યાં સંતાન ઇચ્છતી વ્યક્તિઓ માનતા માને છે. વર્ષ દરમ્યાન ચાર્તુમાસમાં અનેક સંઘો અહીં યાત્રા માટે આવે છે. આ ઉપરાંત દેશ-વિદેશથી અનેક વ્યક્તિઓ અને સંઘોની અવરજવર પણ ચાલુ જ રહે છે. શેત્રુંજયની યાત્રાએ આવનારા યાત્રીઓને અનેક દાનવીરો વિવિધ પ્રભાવનાઓ પણ આપે છે.

યાત્રિકો પવિત્ર યાત્રાની છબીને જીવન પર્યંત હૃદયમાં ધારણ કરીને પોતાને કૃતાર્થી માને છે. પાલિતાણા પહોંચવા માટે હવાઇ માર્ગે સૌથી નજીકનું હવાઇ મથક ભાવનગર છે. બસ માર્ગે અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી પાલિતાણા આવી શકાય છે. રેલવે માર્ગે પણ પાલિતાણા પહોંચી શકાય છે.•

You might also like