પાલનપુર-અંબાજી હાઇવે પર રામપુરા નજીક હિટ એન્ડ રનઃ પિતા-પુત્રીનાં મોત

અમદાવાદ: પાલનપુર-અંબાજી રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં પિતા અને પુત્રીનાં કમકમાટીભર્યાં મોત નીપજતાં અરેરાટી ફેલાઇ હતી. પોલીસે નાસી છૂટેલા કાર ચાલકને ગણતરીના કલાકમાં ઝડપી લઇ સઘન તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી એવી છે કે, પાલનપુર નજીકના સદરપુર ગામે રહેતા શાંતિભાઇ માજીરાણા તેમની ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતી ૧પ વર્ષની પુત્રી પાર્વતીને પાલનપુર-અંબાજી હાઇવે પર રામપુરા ખાતે આવેલ સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ માટે મૂકવા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવેલી કારે પિતા-પુત્રીને અડફેટે લઇ ટક્કર મારતાં પિતા-પુત્રી રોડની એક તરફ ફંગોળાઇ ગયાં હતાં અને બંનેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પાર્વતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ગંભીરપણે ઘવાયેલા શાંતિલાલને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળતાં પહેલાં જ તેેમનું મોત થયું હતું.

અકસ્માત સર્જી કાર ચાલક અંબાજી તરફ નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં અને અકસ્માતનો ભોગ બનેલાના પરિવારજનોએ જ્યાં સુધી કાર ચાલક ન પકડાય ત્યાં સુધી લાશ લેવાનો ઇનકાર કરતાં મામલો પેચિદો બન્યો હતો. પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. લોકોના રોષને પારખી જઇ ગણતરીના કલાકમાં અકસ્માત સર્જી નાસી છૂટેલા રામપુરાના મહેન્દ્ર વીરચંદ પટેલને ઝડપી લીધો હતો. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો.

You might also like