પલાનીસામી તામિલનાડુના નવા મુખ્યપ્રધાન, 15 દિવસમાં સાબિત કરવી પડશે બહુમતિ

ચેન્નઇ: તામિલનાડુની સત્તા હવે અમ્મા બાદ ચિનમ્માની છાવણીના હાથમાં જવાનું લગભગ નિશ્ચિત જણાય છે. રાજ્યપાલ ‌સી.વિદ્યાસાગર રાવ એઆઇએડીએમકેના મહામંત્રી શશિકલાના વિશ્વાસુ ઇ.પલાનીસામીને હવે મુખ્યપ્રધાનપદના શપથ લેવડાવી શકે છે. રાજભવનનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ આજે પલાનીસામીને સીએમ તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે આવકથી વધુ સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટે શશિકલાને ચાર વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ શશિકલાએ ધારાસભ્યોની બેઠક બોલાવીને પલાનીસામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢયા હતા. બુધવારે શશિકલાએ બેંગલુરુ ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કરી દીધું હતું. શશિકલા ચાર વર્ષની સજામાંથી બાકી રહેલી ત્રણ વર્ષ અને દસ મહિનાની સજા કાપવા માટે હાલ જેલમાં છે.

પલાનીસામીને શપથગ્રહણ બાદ ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે. રાજભવનના સૂત્રોએ જણાવ્યું છે કે રાજ્યપાલે બુધવારે સાંજે પલાનીસામી અને કાર્યકારી મુખ્યપ્રધાન ઓ.પનીરસેલવમ સાથે મિટિંગ કર્યા બાદ સંખ્યાબળના આધારે પલાનીસામીને સરકાર રચવા માટે આમંત્રણ આપવાનો નિર્ણય લીધો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યપાલ સાથેની મુલાકાતમાં પલાનીસામીએ પોતાના સમર્થનમાં ૧ર૪ ધારાસભ્યોની યાદી સુપરત કરી હતી. જ્યારે બીજી બાજુ પનીરસેલવમે જણાવ્યું છે કે તેમની પાસે માત્ર આઠ જ ધારાસભ્યોનું સમર્થન છે. આમ હવે રાજ્યપાલ પાસે પલાનીસામીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી.

પૂર્વ પ્રધાન ડી. જયકુમારે રાજભવનની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને આશા છે કે રાજ્યપાલ હવે અમારા નેતા પલાનીસામીને સરકાર બનાવવા સત્વરે આમંત્રણ આપશે. એઆઇએડીએમકેના નેતાઓ રાજભવનમાંથી નીકળ્યા બાદ તુરત પનીરસેલવમ પોતાના નવ વિશ્વાસુ નેતાઓ સાથે રાજયપાલને મળવા પહોંચી ગયા હતા અને રિસોર્ટમાં બંધ ધારાસભ્યોને છોડાવવા આગ્રહ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like