તામિલનાડુમાં પલાનીસ્વામી સરકાર રાજકીય સંકટમાં

ચેન્નઈ: તામિલનાડુની રાજનીતિ માટે આજે મહત્ત્વનો દિવસ છે. ગઈ સાલ એઆઈએડીએમકેની પલાનીસ્વામી સરકાર સાથે છેડો ફાડીને ટેકો પાછો ખેંચનાર ટીટી દિનાકરન જૂથના ૧૮ ધારાસભ્યના ભાવિ પર આજે મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો આવશે. આ તમામ ધારાસભ્યને વિધાનસભાના સ્પીકરે ગેરલાયક ઠરાવ્યા હતા. ત્યારબાદ તેમણે મદ્રાસ હાઈકોર્ટમાં સ્પીકરના નિર્ણયને પડકાર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો સીધો રાજ્ય સરકારને પ્રભાવિત કરી શકે છે.

જો મદ્રાસ હાઈકોર્ટ સ્પીકરના નિર્ણયને અયોગ્ય ઠરાવશે તો વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે અને તેમાં મુખ્યપ્રધાન ઈ. પલાનીસ્વામીને બહુમતી માટે જરૂરી આંકડો સિદ્ધ કરવામાં મુશ્કેલી પડી શકે છે અને જો તેઓ બહુમતી સિદ્ધ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સરકાર પણ ઊથલી શકે છે. એવા પણ અહેવાલો છે કે એઆઈએડીએમકેના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્ય પાટલી બદલી શકી પણ શકે છે.

જો મદ્રાસ હાઈકોર્ટ સ્પીકરના નિર્ણયને યોગ્ય ઠરાવશે તો તમામ ૧૮ વિધાનસભા બેઠક પર ફરીથી ચૂંટણી થઈ શકે છે. બે જજની બેન્ચ જો કોઈ નિર્ણય પર નહીં આવી શકે તો આ કેસ ત્રણ જજની બેન્ચને સોંપાઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્યોએ અન્ય લોકો સાથે ૨૨ ઓગસ્ટના રોજ તામિલનાડુના રાજ્યપાલ સી. વિદ્યાસાગર સાથે મુલાકાત કરીને જણાવ્યું હતું કે તેઓ પલાનીસ્વામીમાં વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે, જેની સામે દિનાકરને પડકાર ફેંક્યો છે. આ તમામ ધારાસભ્યએ પલાનીસ્વામી-પન્નીરસેલ્વમ સરકારથી ટેકો પાછો ખેંચી લીધો હતો.

તામિલનાડુમાં પક્ષવાર સ્થિતિ
કુલ સંખ્યાબળ ૨૩૪
ડીએમકે ૯૮
એઆઈએડીએમકે ૧૧૪
દિનાકરન જૂથ ૧૮
ટીટીવી ૧

You might also like