પાકિસ્તાન સ્પિનર સઈદ અજમલે ક્રિકેટને કહ્યું અલવિદા

કરાચીઃ પાકિસ્તાની સ્પિનર સઈદ અજમલે બોલિંગ એક્શનમાં ફેરફાર કર્યા બાદના વર્ષ પછી ક્રિકેટનાં બધાં ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પોતાની સફળ, પરંતુ વિવાદાસ્પદ કરિયર દરમિયાન અજમલ એક સમયે વન ડે અને ટી-૨૦ ક્રિકેટમાં દુનિયાનો નંબર વન બોલર હતો અને ટેસ્ટ ફોર્મેટમાં પણ તે ઘણો સફળ રહ્યો હતો.

અજમલે ઈંગ્લેન્ડ સામે વર્ષ ૨૦૧૨માં ત્રણ ટેસ્ટ મેચમાં ૨૪ વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ તેની બોલિંગ એક્શનને ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી અને તેના પર કામચલાઉ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. અજમલે બદલાયેલી એક્શન સાથે વર્ષ ૨૦૧૫માં વાપસી કરી હતી, પરંતુ તેની બોલિંગમાં પહેલાં જેવી ધાર રહી નહોતી. બોલિંગ કરવાની મંજૂરી મળી ગયા બાદ તેણે બાંગ્લાદેશમાં બે વન ડે અને એક ટી-૨૦ મેચમાં તેણે ફક્ત એક જ વિકેટ ઝડપી હતી.

અજમલે જણાવ્યું, ”છેલ્લાં બે વર્ષ મારા માટે નિરાશાજનક રહ્યાં છે. બોલિંગ એક્શનને લઈને પ્રતિબંધિતો થવાથી હું ઘણો નિરાશ થયો હતો. સૌથી વધુ પીડા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ડ બ્રોડની ટિપ્પણીથી થઈ હતી. તેણે મારી સામે સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ મેં બધાને માફ કરી દીધા છે.” અજમલે ૩૫ ટેસ્ટમાં ૧૭૮ વિકેટ, ૧૧૩ વન ડેમાં ૧૮૪ વિકેટ અને ૬૪ ટી-૨૦માં ૮૫ વિકેટ ઝડપી છે.

You might also like