હાફિઝ સઈદની પાર્ટીને PAKના ચૂંટણી પંચે ચૂંટણી લડવા મંજૂરી ન આપી

નવી દિલ્હી: મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાનના ચૂંટણી પંચ તરફથી જોરદાર ઝટકો મળ્યો છે. જેમાં હાફિઝની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને માન્યતા આપવામાં આવી નથી. જેના કારણે હાફિઝની પાર્ટી ચૂંટણી લડી નહિ શકે. આ ઉપરાંત પોસ્ટરમાં હાફિઝની તસવીરના ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદે રાજકારણમાં ઝંપલાવવા ગત મહિને જ રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગની રચના કરી હતી. જોકે હાફિઝ છેલ્લા છ માસથી પાકિસ્તાનમાં નજરકેદ છે. તેમ છતાં તેણે મિલ્લી મુસ્લિમ લીગના નામથી રાજકીય પાર્ટીની માન્યતા મેળવવા ચંૂટણી પંચ સમક્ષ અરજી કરી હતી.પાકિસ્તાને હાફિઝ સઈદને નજરબંધ એટલા માટે કર્યો હતો કે છ માસ અગાઉ અમેરિકાએ ચેતવણી આપી હતી કે જો જમાત ઉદ દાવા સામે કાર્યવાહી કરવામાં નહિ આવે તો તે પાકિસ્તાન પર પણ પ્રતિબંધ લગાવી શકે તેમ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ૨૬-૧૧ના મુંબઈ હુમલામાં સઈદ મુખ્ય સૂત્રાધાર છે. અને તેથી ભારત સતત તેની સામે કાર્યવાહી કરવા માગણી કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ પાકિસ્તાનમાં રાજકીય ઊથલપાથલ જારી છે.જેમાં પનામા પેપર લીક કેસમાં નવાઝ શરીફને વડા પ્રધાન પદ છોડવું પડ્યું છે અને તેથી હાફિઝ સઈદ આવી તક ઝડપીને રાજકારણમાં સક્રિય બનવા માટે તેની પાર્ટી તરફથી ચૂંટણી લડવા માગતો હતો પણ પાક.ના ચૂટણી પંચે તેની આવી ઈચ્છા પર પાણી ફેરવી દીધું છે. અને તેની પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને માન્યતા આપી નથી.

You might also like