પાકિસ્તાનના સમાજસેવી અબ્દુલ સત્તાર ઇદીનું નિધન

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના જાણીતા સમાજસેવી અબ્દુલ સત્તાર ઇદીનું શુક્રવારે મોડી રાતે 88 વર્ષની વયે કરાચીનામ નિધન થયું છે. તેઓ ઇદી ફાઉન્ડેશનના સંસ્થાપક હતા. ઇદીના પુત્ર ફેસલ ઇદીએ કહ્યું કે તેના પિતાની ઇચ્છા હતી કે તેમને એ જ કપડામાં દફનાવામાં આવે જે તેમને પહેર્યા હોય.

ફેસલે કહ્યું હતું કે તેના પિતાએ 25 વર્ષ પહેલા જ ઇદી વિલેજમાં પોતાની કબર તૈયાર કરી હતી . તેમને ત્યાં જ દફનાવવામાં આવશે. ફેસલે તેમના મૃત્યુ પછી હોસ્પિટલની બહાર કહ્યું કે તેના પિતાની ડાયાલિસિસ દરમિયાન શ્વાસ અટકવા લાગ્યો હતો, ત્યારબાદ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં.

તેમની ઇચ્છા પ્રમાણે આંખો દાન કરવામાં આવી છે. 2013માં તેમની બંને કિડનીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ખરાબ સ્વાસ્થયના કારણે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું નહતું. તેમનું સિંધ ઇન્સ્ટીટ્યૂટ ઓફ યૂરોલોજી એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનમાં સારવાર ચાલી રહી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે તેમની સાથે વાતચીત કરી હતી અને વિદેશમાં ઉચ્ચ સારવાર અપાવવાની તૈયારી દાખવી હતી. જોકે, ઇદી સાહેબે તેનો ઇન્કાર કર્યો હતો અને કરાંચીમાં જ સારવાર કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાન સેનાના પ્રસાર વિભાગના જણાવ્યા પ્રમાણે, સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અબ્દુલ સત્તાર ઇદીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે ઇદીની જનાજાની નમાજ અદા કરવામાં આવશે. જેમાં પાકિસ્તાનની સેનાના વડા રાહિલ શરીફ, નૌસેનાના વડા એડમિરલ મોહમ્મદ ઝકુલ્લાહ, પંજાબના મુખ્યપ્રધાન શાહબાઝ શરીફ સહિત અનેક જાણીતા લોકો હાજર રહેશે. સ્ટેડિયમની ક્ષમતા 35 હજાર લોકોની છે, પરંતુ લાખો લોકો હાજર રહે તેવી શક્યતા છે.

ઇદી ફાઉન્ડેશનના સેવાકાર્યોને કારણે જેમનું જીવન સુધર્યું છે તેવી અનેક વિધવાઓ અને અનાથ પણ અંતિમ દર્શન માટે આવે તેવી શક્યતા છે. સ્ટેડિયમની સુરક્ષા માટે બે હજાર પોલીસમેનને તહેનાત કરવામાં આવશે. પરિવારે વિનંતી કરી છે કે સામાન્ય જનતાને તકલીફ ન પડે તે માટે જનાજો નીકળે ત્યારે રસ્તાઓને બ્લોક કરવામાં આવે નહીં.

અબ્દુલ સત્તાર ઇદીને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન એ ઇમ્તિયાઝ, રોમન મેગ્સેસે એવોર્ડ, લેનિન પીસ પ્રાઈસ,સહિત અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. સત્તારને 16 વખત શાંતિ માટેના નોબલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.

વર્ષ 2011માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન યુસૂફ રઝા ગિલાનીએ તેમના નામની ભલામણ કરી હતી. આ વર્ષે મલાલા યુસૂફઝઈએ અબ્દુલ સત્તાર ઇદીના નામની ભલામણ કરી હતી. તેણી વિશ્વની સૌથી યુવાન નોબલ પુરસ્કાર (શાંતિ માટે) એનાયત કરવામાં આવ્યો હતો. ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર ઈદી ફાઉંડેશન પાસે દુનિયાની સૌથી મોટી પ્રાઈવેટ એમ્બ્યુલન્સ સેવા છે.

You might also like