પાકિસ્તાની રેન્જર્સે BSF જવાનના અપહરણ બાદ હત્યા કરી, શબના ટુકડા કરી નાખ્યા

જમ્મુ: જમ્મુના આરએસપુરા સેક્ટરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાન નરેન્દ્રસિંહ સાથે પાકિસ્તાની રેન્જર્સે બર્બરતા આચરી નાપાક હરકત કરી છે, જેના કારણે ખુબ રોષ ફેલાયો છે. સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સે બીએસએફના જવાનો પર ઓચિંતો હુમલો કરી દીધો હતો.

આ હુમલામાં જવાન નરેન્દ્રસિંહ શહીદ થયા છે. બીએસએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર ફોર્સના આઠ જવાનો સરહદ પર ઘાસની સફાઈ કરવા ભારતીય સીમામાં ફેન્સિંગ નજીક ગયા હતા. ત્યારે પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

નરેન્દ્રસિંહ ૧૭૯ બીએસએફની બટાલિયનમાં તહેનાત હતા. હજુ સોમવારે જ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે મકવાલ ખાતે પાંચ કિલોમીટર લાંબી સ્માર્ટ ફેન્સિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. મકવાલથી ફક્ત ૧૦ કિલોમીટર દૂર જ આ ચોંકાવનારી ઘટના બની છે.

પાકિસ્તાની રેન્જર્સના ફાયરિંગ બાદ બીએસએફના જવાનોએ મોરચો સંભાળ્યો હતો અને તેઓ સુરક્ષિત સ્થાને આવી ગયા હતા, પરંતુ જવાન નરેન્દ્રસિંહનું પાકિસ્તાની રેન્જર્સે અપહરણ કર્યું હતું. મોડી સાંજ સુધી બીએસએફના જવાનોએ નરેન્દ્રસિંહની તલાશ કરી હતી પણ તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો.

મોડી રાત્રે નરેન્દ્રસિંહનો ક્ષત-વિક્ષત મૃતદેહ બીએસએફને મળ્યો હતો. પાકિસ્તાની રેન્જર્સે બર્બરતાપૂર્વક તેમની હત્યા કરી હતી અને હત્યા બાદ તેમના શબના ટુકડા કર્યા હતા. બીએસએફના આઈજી પણ ઘયનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બીએસએફના જવાનો એસપી માજરા -૧ પોસ્ટ (અગ્રિમ પોસ્ટ) નજીક ઘાસ સાફ કરવા ગયા હતા એ વખતે પાકિસ્તાની રેન્જર્સે ફાયરિંગ કર્યું હતું. બીએસએફનું કહેવું છે કે પાકિસ્તાની રેન્જર્સ અગાઉથી જ હુમલો કરવા માટે તૈયાર બેઠા હતા.

ફાયરિંગમાં ઘાયલ થયેલા જવાન નરેન્દ્રસિંહનું અપહરણ કરીને તેમને સરહદ પાર લઈ જવામાં આવ્યા હતા. પાકિસ્તાની રેન્જર્સે સતત બે કલાક સુધી તેમના પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. પાકિસ્તાની રેન્જર્સે તેમની હત્યા કરીને બાદમાં તેમના મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્રસિંહની લાશનો એક હાથ, એક પગ કાપી નાખવામાં આવ્યો હતો અને તેમની આંખો પણ કાઢી લેવામાં આવી હતી. ક્ષત-વિક્ષત મૃતદેહને બાદમાં ભારતીય સીમામાં ફેંકી દેવામાં આવ્યો હતો.

You might also like