જેસલમેર જિલ્લામાં જાસૂસી કરતા પાકિસ્તાની નવાબની ધરપકડ

(એજન્સી) જેસલમેર: રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. તેનું નામ નવાબ છે. તે પાકિસ્તાનથી જાસૂસીની ટ્રેનિંગ લઇને આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલા અને ત્યાર બાદ પાકિસ્તાન પર થયેલ એર સ્ટ્રાઇકના પગલે તેની હરકતો વધી ગઇ હતી. નવાબ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇના સતત સંપર્કમાં હતો. તે બીએસએફ અને લશ્કરની હિલચાલ અને પ્રવૃત્તિઓની વિગતો આઇએસઆઇને મોકલતો હતો. આઇએસઆઇએ તેને તેના બદલામાં રૂ.પ,૦૦૦નું ઇનામ આપ્યું હતું.

પાકિસ્તાનમાં નવાબનો એક સંબંધી આઇએસઆઇ માટે કામ કરે છે. ગઇ સાલ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નવાબ પાકિસ્તાન ગયો હતો. રાજસ્થાન પોલીસની ઇન્ટેલિજન્સ વિંગે જેસલમેરના સ્લમ વિસ્તારમાંથી નવાબને દબોચી લીધો હતો. જયપુરમાં નવાબની હજુ સઘન પૂછપરછ ચાલી રહી છે.

દરમિયાન અહેવાલો અનુસાર પાકિસ્તાની સૈન્યએ કાશ્મીરની સાથે- સાથે હવે પંજાબ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પણ ફાયરિંગ અને મોર્ટારમારો શરૂ કરી દીધો છે. પંજાબના ફાજીલકા જિલ્લાના કલરખેડા ગામમાં અને રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના ચક ગામમાં કોઇક અજાણ્યો પદાર્થ ઝીંકાયાે હતાે અને એવું માનવામાં આવે છે કે આ મોર્ટારના ગોળા છે, જોકે રિપોર્ટ આવ્યા બાદ તેની પુષ્ટી થશે. આ બંને ગામ બોર્ડરની એકદમ નજીક છે.

ગંગાનગર જિલ્લામાં બોર્ડર પર આવેલ હિંદુુ મલમલ કોટ વિસ્તારમાં પાક. તરફથી રવિવારે સવારે પણ ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ત્યાં બે ડ્રોન પણ ઊડતાં નજરે પડ્યાં હતાં. અહેવાલો અનુસાર બોર્ડરના ખાતલબાના, રેણુુકા મદેરા અને ફતુહીવડા વગેરે ગામમાં વારંવાર ગોળીબારના અવાજ સંભળાયા હતા અને આ દરમિયાન આકાશમાં બે ડ્રોન જોવા મળ્યાં હતાં. પાકિસ્તાન દ્વારા ફાયરિંગના અવાજ સંભળાયા બાદ ભારતે પણ વળતો જવાબ આપીને ફાયરિંગ કર્યું હતું.

You might also like