કચ્છ બોર્ડર પરથી પાકિસ્તાની કુટુંબ ઝડપાયું

અમદાવાદ: રાજ્યની કચ્છ બોર્ડર પાસેથી ગઇકાલે વહેલી સવારે સીમા સુરક્ષા દળ (બીએસએફ)એ એક પાકિસ્તાની હિન્દુ કુટુંબને ઝડપી લીધું હતું. બીએસએફનાં જવાનોએ દંપતી અને તેના સાત બાળકોની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ જે ગામમાં રહેતાં હતાં ત્યાં તેઓને ઝઘડો થતાં તેઓ ત્યાંથી નીકળી ગયાં હતાં અને ભારત બોર્ડર પાસે ક્રોસ કરતાં રાતે ઝડપાઇ ગયાં હતાં.

બીએસએફનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ આજે સવારે બીએસએફનાં જવાનો કચ્છની રાપર બોર્ડરના પિલર નંબર ૯૯૧ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી દરમ્યાનમાં પાકિસ્તાની નાગરિક હિરાલાલ રણમલભાઇ (ઉં.વ.૩૩) તેની પત્ની અને તેના સાત બાળકો સાથે ઝડપાયો હતો. તેઓ પાકિસ્તાનના થરપારકર તાલુકાના વાડા જો વાડિયો ગામમાં રહે છે.

તેઓનાં કુટુંબને ગામનાં લોકો સાથે કોઇ બાબતે ઝઘડો થતાં તેઓ ડરીને ગામ છોડી નીકળી ગયાં હતાં. સોમવારે રાત્રે તેઓ ગામથી નીકળી ભારત બોર્ડર તરફ આવી ગયાં હતાં અને બોર્ડર ફેન્સિંગ નજીક બીએસએફનાં જવાનોએ હિરાલાલ તેની પત્ની અને સાત બાળકો સહિત નવ લોકોને બીએસએફે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like