પાકિસ્તાની હાઈ કમિશનમાંથી 23 શીખ યાત્રીઓના પાસપોર્ટ ગુમઃ સુરક્ષાને ખતરો

નવી દિલ્હી: પાકિસ્તાન હાઇ કમિશનમાંથી ર૩ ભારતીય શીખ યાત્રીઓના પાસપોર્ટ ગાયબ થયા છે, જેને લઇને દેશની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થઇ શકે છે. આ તમામ પાસપોર્ટ એ શીખ યાત્રીઓના છે કે જેઓ પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારાની મુલાકાત લેવાના હતા. આમાંથી એક ગુરુદ્વારા કરતારપુર સાહિબ પણ છે જે માટે ગયા મહિને જ ભારત અને પાકિસ્તાનમાં કોરિડોરના નિર્માણનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

આ મામલો વિદેશ મંત્રાલયના ધ્યાન પર આવ્યા બાદ ર૩માંથી કેટલાય શીખોએ પોલીસમાં એફઆઇઆર કરી છે. વિદેશ મંત્રાલય હવે આ તમામ પાસપોર્ટ રદ કરવાની ‌તૈયારીમાં છે. આ મુદ્દે પાકિસ્તાન હાઇ કમિશન સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે.

પાકિસ્તાન દ્વારા ર૧થી ૩૦ નવેમ્બર વચ્ચે ૩૮૦૦ શીખ યાત્રીઓને વિઝા આપવામાં આવ્યા હતા. ગુરુનાનકની પ૪૯મી જન્મજયંતી પ્રસંગે આ વિઝા જારી કરવામાં આવ્યા હતા. પાસપોર્ટ ગાયબ કરવાની ફરિયાદ કરનાર આ તમામ ર૩ યાત્રીઓનો પણ એ ૩૮૦૦ યાત્રીઓમાં સમાવેશ થાય છે જેમને પાકિસ્તાન તરફથી વિઝા જારી કરાયા હતા. પાકિસ્તાને આ પાસપોર્ટ ગુમ થવા પર પોતાના કોઇ અધિકારીની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે.

આ તમામ પાસપોર્ટ દિલ્હી સ્થિત એક એજન્ટે આપ્યા હતા, જેમનો દાવો છે કે તેમણે પાકિસ્તાન હાઇ કમિશનમાં આ દસ્તાવેજો જમા કરાવ્યા છે. એજન્ટે ભારતીય સત્તાવાળાઓને આ મુદ્દે ત્યારે જાણકારી આપી હતી જયારે પાકિસ્તાની હાઇ કમિશનેે પોતાને ત્યાં ર૩ પાસપોર્ટ હોવાનો ઇનકાર કર્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ એક ગંભીર મામલો છે અને આ પાસપોર્ટનો દુરુપયોગ ન થાય તે માટે જરૂરી પગલાં લેવા અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.

You might also like