ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી વધુ વેબસાઈટ હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તો તેની સામે પાકિસ્તાને ભારતની પણ કેટલીક વેબસાઈટ હેક કરી હોવાનું સામે આવ્યું છે.

પાકિસ્તાનના હેકર્સે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાના બ્લોગને નિશાન બનાવ્યો હતો અને તેમાં પાકિસ્તાન ઝિંદાબાદનું સૂત્ર મૂક્યું હતું.  પુલવામા આતંકી હુમલામાં ૪૦ જવાનોની શહાદતથી આખો દેશ રોષમાં છે. દેશમાં ઠેર ઠેર મીણબત્તી જલાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ રહી છે. ભારતીય હેકર્સની ટીમ ‘આઇ-ક્રુ’એ પાકિસ્તાનની ર૦૦ વેબસાઇટ હેક કરી શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પુલવામા આતંકી હુમલાની ઘટનામાં શહીદ જવાનોને દરેક ચાર રસ્તા પર મીણબત્તી જલાવીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. લોકો મોરચા કાઢી પાકિસ્તાન વિરોધી નારા લગાવી રહ્યા છે ત્યારે ભારતીય હેકર્સ પાકિસ્તાની વેબસાઇટને હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પાકિસ્તાનીઓને ચેતવણી પણ આપી છે કે આ હુમલાને ભારત ક્યારેય નહીં ભૂલી શકે.

અત્યાર સુધીમાં ર૦૦ પાકિસ્તાની વેબસાઇટને ભારતીય હેકર્સે નિશાન બનાવી છે. હેકરે સાઇટ પર લખ્યું છે કે અમે તા.૧૪-ર-ર૦૧૯ ક્યારેય નહીં ભૂલીએ. ભારત ક્યારેય નથી ભૂલી શકતું! બીજી તરફ પાકિસ્તાને પણ ભારતની વેબસાઇટ હેક કરવાનું શરૂ કરી દીધું હતું.

ભારતની અંદા‌િજત ૧૦૦ કરતાં વધુ વેબસાઇટ અને બ્લોગ હેક કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાં કેટલીક વેબસાઇટ હેક થઇ છે. આજે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનો બ્લોગ પાકિસ્તાની હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યો હતો. બ્લોગ હેક કરાયા બાદ તેના પર પાકિસ્તાન ઝિંદાબાદનાં સ્લોગન દેખાયાં હતાં.

You might also like