પાકિસ્તાની હેકરનું આઈપી એડ્રેસ કરાચીનું નીકળ્યું

અમદાવાદ: ગાંધીનગરમાં આવેલી એલડીઆરપી ઈન્સ્ટિટ્યૂટની વેબસાઈટ હેકિંગ મામલે પોલીસે તપાસ કરતાં હેકરનું આઈપી એડ્રેસ પાકિસ્તાનના કરાચીનું મળી આવ્યું છે. ટેકનિકલ ટીમ દ્વારા આ અંગે તપાસ કરાઈ હતી. ઓગસ્ટ-૨૦૧૫માં જ્યારે નેશનલ લો યુનિવર્સિટીની વેબસાઈટ હેક થઈ હતી ત્યારે તેની તપાસમાં પણ કરાચીનું જ આઈપી એડ્રેસ મળી આવ્યું હતું, જેથી પાકિસ્તાનના કરાચી હેકર્સ દ્વારા વેબસાઈટ હેક કરાય છે.

સેક્ટર-૧૫માં આવેલી એલડીઆરપી કોલેજની વેબસાઈટ હેક કરી મોદીજી, અભી તો પાર્ટી શૂરુ હુઈ હૈ લખી તેમાં પાકિસ્તાનના ઝંડાનું ચિત્ર મૂકી દેવાયું હતું. આ મામલે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં હેકર્સનું આઈપી એડ્રેસ શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી. પાકિસ્તાનના કરાચી શહેરનું લોકેશન ટેકનિકલ ટીમને મળી આવ્યું હતું. સેક્ટર-૭ પોલીસ દ્વારા હેકર્સ સુધી પહોંચવું મુશ્કેલભર્યું હોવાથી આ અંગે તેઓએ સ્થાનિક કક્ષાએ તપાસ કરીને રિપોર્ટ ગૃહ વિભાગની સાયબર ટીમને સોંપ્યો છે અને ગૃહ વિભાગ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરશે.

You might also like