પાકિસ્તાની કિશોરની કાર્ડિયાક સર્જરી કરી નવજીવન અપાયું !!

અમદાવાદ: શહેરની વી. એસ. હોસ્પિટલમાં એક પાકિસ્તાની કિશોરને કાર્ડિયાક સર્જરી કરી બચાવી લેવામાં આવ્યો છે. આ અંગેની વિગતો એવી છે કે તારાચંદ સુખદેવ માળી (ઉં.વ.૧૧) (પાકિસ્તાની નાગરિક), (મિરપુર સિન્ધ રહેવાસી) બ્લુબેબી સિન્ડ્રોમ જેને ટેટ્રોલોજી ઓફ ફેલોટ કહેવામાં આવે છે, તે હૃદયની કુદરતી ખોડખાંપણની બીમારી છે તેનાથી પિડીત હતો. આ બીમારી માટે તે કરાચીમાં ત્રણ થી ચાર મોટી હોસ્પિટલ જેવી કે આગાખાન હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલ. ત્યાં તેને આ બીમારીની સારવાર અર્થે ૧૪ થી ૧૫ વર્ષની ઉંમરે કરાવવાની સલાહ આપી હતી.

આ દર્દીનું કુટુંબ ચાર વર્ષથી રાજસ્થાન રહે છે, અને આ રોગની સારવાર માટે ત્યાં તબીબી સલાહ લીધેલ પરંતુ બીમારીમાં કોઇ ફરક પડેલ નહીં. દર્દીને વી.એસ. હોસ્પિટલમાં સારવાર થાય છે તેની ખબર પડતાં તેઓ તા. ૨૨-૧૧-૧૫ના રોજ દાખલ થવા આવેલ. ડોકટરે તપાસ કરતાં તેને ટેટ્રોલોજી ઓફ ફેલોટનું નિદાન કરેલ જે એડવાન્સ સ્ટેજમાં હતું અને તાત્કાલિક ઓપરેશન વગર તેનું આગળનું જીવન શક્ય ન હતું.

પેશન્ટ ખૂબજ ગરીબ પરિવારમાંથી હતું. તેના પિતા લીવરના રોગથી પિડીત હતા, એના ભાઇએ એની લારી વેચી અમદાવાદ આવેલ અને જ્યારે આવેલ ત્યારે તેમની પાસે રૃપિયા ન હતા. જ્યારે ઓપરેશનનો ખર્ચ રૂ. ૭૦ થી ૭૫ હજાર થાય તેમ હતો. બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેતા તેનો ખર્ચ રૃા. ૨ થી ૫ લાખ થાય તેમ હતો. દર્દીની જિંદગીની ગંભીરતા અને ઓપરેશનની જરૂરિયાત વચ્ચે પૈસાનો અવરોધ હતો.

આ જોઇ કાર્ડિયાક સર્જરી ડિપાર્ટમેન્ટના વડા ડૉ. વિનોદ અગ્રવાલ અને અન્ય ડૉ. ભૂપેશ ડી. શાહ, ડૉ. પૌરવી ભટ્ટ, ડૉ. પ્રવીણ મોદી, ડૉ. નિરવ પંચાલ, ડૉ. તુષાર શર્મા, ડૉ. બિરજુ શાહ અને ડૉ. પલક પરીખ તેઓએ કેસ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને આ જોખમી ઓપરેશન પોતાના ખર્ચે હાથ ધરવાનું નક્કી કર્યું. તેનું ઓપરેશન તા. ૩-૧૨-૧૫ના રોજ થયું હતું. ઓપરેશન ૬ થી ૮ કલાક ચાલ્યું અને સફળતાપૂર્વક પાર પડ્યું.

જે પેશન્ટને શરૂઆતની અંદર થોડું ચાલે તો શ્વાસ ચડી જતો, આખું શરીર ભૂરું પડી જતું, થોડું ચાલવાથી તેનું શરીર શિથિલ પડી જતું, વારંવાર ખેંચ આવતી અને ફેફસાં તથા હૃદયમાં ચેપ લાગતો, તે ઓપરેશનના તુરંત બાદ તેનું શરીર ભૂરું પડતું અટકી અને ગુલાબી થઇ ગયું, શ્વાસ ચડતો બંધ થઇ ગયો અને બીજા લક્ષણોમાં સુધારો થવા માંડ્યો છે. આવી રીતે વી. એસ. હોસ્પિટલના કાર્ડિયાક સર્જરી ડિપાર્ટમેન્ટના ડોકટરો દ્વારા એક પાકિસ્તાની બાળકનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

You might also like