પાક.ના ત્રણ કલાકારોએ કાળાં નાણાંથી પેમેન્ટ માગ્યાનો દાવો

નવી દિલ્હી: નોટબંધી બાદ હવે કાળાં નાણાં અંગે ચાલતી ચર્ચામાં પાકિસ્તાની કલાકારોનાં નામ પણ ચર્ચાસ્પદ બન્યાં છે. એક ન્યૂઝ ચેનલે કરેલા સ્ટિંગમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાની કલાકારો ફવાદ ખાન, માવરા હોકેન અને ઈમરાન અબ્બાસ નકવી જેવા અભિનેતાઓ તેમને કરવામાં આવનારા પેમેન્ટમાં કાળું નાણું માગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલા બાદ પાક. કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ફવાદે તેની 50 લાખની ફીની રકમમાંથી 25 ટકા રકમ કાળાં નાણાંમાં રાખવા શરત મૂકી હોવાનું જાણવા મળે છે.

આ અંગે થયેલા સ્ટિંગમાં ફવાદની મેનેજર તોરલ સોની સાથે એક લગ્ન સમારોહમાં ફવાદની હાજરી અંગે વાત થઈ હતી, જેમાં ફવાદની ફી 50 લાખ હોવાનું જણાવાયું હતું અને બાકીના ખર્ચની રકમ થઈને કુલ એક કરોડની રકમ જણાવાઈ હતી, જેમાં ફવાદ દ્વારા તેને ચૂકવવાની થતી રકમમાંથી 25 ટકા રકમ કાળાં નાણાંમાં રાખવા વાત કરવામાં આવી હતી. ભારતમાં આવી કરચોરી કરવા આવી રકમ ફવાદના યુએઈના ખાતામાં જમા કરાવવા જણાવવામાં આવ્યું હતું.

માવરા હોકેનની ફીમાંથી 50 ટકા કાળાં નાણાં રાખવા શરત
આ સ્ટિંગ ઓપરેશનમાં પાકિસ્તાનના અન્ય કલાકાર માવરા હોકેન સાથે પણ વાત કરવામાં આવી હતી. તે બોલિવૂડની ત્રણ ફિલ્મો સાઈન કરી ચૂકી છે. લગ્ન સમારોહમાં હાજરી આપવા તેના મેનેજર હસન ચૌધરીએ 50 લાખ ફી માગી હતી, જેમાંથી પાંચ લાખ તરત જ માવરાના ભારતના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું. બાકીના 45 લાખ ઓસ્ટ્રેલિયાના ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું, જ્યારે ભારતમાં માવરાના મેનેજર માધવે જણાવ્યું હતું કે અડધી રકમ કાળાં નાણાંમાં જમા કરાવવી પડશે.

આ સ્ટિંગમાં અન્ય એક પાક. કલાકાર ઈમરાન અબ્બાસ નકવીને ફોન કરવામાં આવ્યો હતો, જેમાં ઈમરાને ભારતમાં શિવ સાથે વાત કરવા જણાવ્યું હતું, જેમાં શિવે જણાવ્યું હતું કે તેની ફી 35 લાખ રહેશે, પણ તેના કરાર માત્ર ત્રણ લાખના કરવાના રહેશે એટલે કે ઈમરાન ભારતમાં માત્ર ત્રણ લાખનો કર જ ચૂકવશે.

ઉરી પરના આતંકી હુમલા બાદ એમએનએસએ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવા માગણી કરી હતી અને બાદમાં એમએનએસએ પાક. કલાકારોને ધમકી આપી હતી કે તેઓ ભારત છોડી ચાલ્યા જાય અન્યથા તેઓ તેમને ભગાડી દેશે. ત્યારબાદ દેશભરમાં પાક. કલાકારો સામે ભારે વિરોધ થયો હતો અને તેને અનેક ભારતીય કલાકારોએ પણ સમર્થન આપ્યું હતું અને આ મામલો વધુ ઉગ્ર બનતાં ઈન્ડિયન મોશન પિકચર્સ પ્રોડ્યૂસર એસોસિયેશને પણ પાક. કલાકારો પર પ્રતિબંધ લગાવવા નિર્ણય કર્યો હતો.

You might also like