પાક.ને ૨૦૧૯ના વિશ્વકપમાં સીધો પ્રવેશ મળવો મુશ્કેલ

દુબઈઃ આઇસીસીએ ગઈ કાલે જાહેર કરેલા તાજા રેન્કિંગ અનુસાર પાકિસ્તાનને ૨૦૧૯માં ઈંગ્લેન્ડમાં રમાનારા વન ડે વિશ્વકપમાં સીધો પ્રવેશ મળવો મુશ્કેલ નજરે પડી રહ્યો છે. પાકિસ્તાન હાલ રેન્કિંગમાં ૮૯ પોઇન્ટ સાથે આઠમા સ્થાન પર છે. પાક.ના બાંગ્લાદેશથી બે પોઇન્ટ ઓછા છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ કરતાં બે પોઇન્ટ વધુ છે.

૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ સુધી રેન્કિંગમાં સામેલ ટોચની સાત અન્ય ટીમ યજાન ઈંગ્લેન્ડ સાથે ૩૦ મેથી ૧૫ જુલાઈ, ૨૦૧૯ દરમિયાન રમાનારા વિશ્વકપ માટે સીધી ક્વોલિફાય કરશે. આ સ્થિતિમાં પાકિસ્તાન પર વિશ્વકપ માટે સીધા ક્વોલિફાય નહીં કરી શકવાનું જોખમ ઊભું થયું છે. પાકિસ્તાનનો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ વન ડે મેચની શ્રેણીમાં ૧-૪થી પરાજય થયો હતો.

આઇસીસીએ એક નિવેદન જારી કરીને કહ્યું, ”પાકિસ્તાન તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે પૂરી થયેલી શ્રેણીમાં પોતાના રેન્કિંગમાં કોઈ સુધારો કરી શક્યું નથી. જો તેના રેન્કિંગમાં થોડો પણ સુધારો થયો તો પાકિસ્તાન માટે વર્લ્ડકપમાં સીધા પ્રવેશની શક્યતા છે.” પાકિસ્તાન ફેબ્રુઆરીમાં યુએઈમાં બાંગ્લાદેશની યજમાની કરશે, જ્યાં બંને ટીમ બે ટેસ્ટ, ત્રણ વન ડે અને એક ટી-૨૦ મેચ રમવાની છે. પાક. ટીમ એપ્રિલ-મેમાં બે ટેસ્ટ, ત્રણ વન ડે અને એક ટી-૨૦ મેચ રમવા વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે. ત્યાર બાદ એકથી આઠ જૂન દરમિયાન ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પાક. ટીમ રમવાની છે.

વન ડે રેન્કિંગમાં ભારત ૧૧૨ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ૧૨૦ પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. દ. આફ્રિકા ૧૧૬ પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે.
http://sambhaavnews.com/

You might also like