શ્રીલંકા સામે ત્રીજી વન ડે પણ જીતી લઈ પાકિસ્તાને ૩-૦ની અજેય સરસાઈ મેળવી

અબુધાબી યજમાન પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે પાંચ વન ડેની શ્રેણીની ગઈ કાલે રમાયેલી ત્રીજી વન ડે પણ પાકિસ્તાને જીતી લઈ શ્રેણી પોતાના નામે કરી લીધી હતી. હવે બે વન ડે બાકી છે, જે ઔપચારિક બની રહેશે. ગઈ કાલે શ્રીલંકાના કેપ્ટન ઉપુલ થરંગાએ ટોસ જીતીને બેટિંગ લેવાનું પસંદ કર્યા બાદ પાકિસ્તાની બોલર્સના શાનદાર પ્રદર્શન સામે ૪૮.૨ ઓવરમાં આખી ટીમ માત્ર ૨૦૮ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ૨૦૯ રનનું વિજયી લક્ષ્યાંક પાકિસ્તાને ૪૨.૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઇમામ ઉલ હકને સદી (૧૦૦ રન) ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન તરફથી હસન અલીના શાનદાર બોલિંગ પ્રદર્શન (૧૦ ઓવરમાં ૩૪ રનમાં પાંચ વિકેટ) સામે શ્રીલંકાની ટીમનો ધબડકો થયો હતો. શ્રીલંકા તરફથી કેપ્ટન થરંગાએ સૌથી વધુ ૬૧ રન બનાવ્યા હતા, જ્યારે થિરિમાનેએ ૨૮ રન અને થિસારા પરેરાએ ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ શ્રીલંકન બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો.
પાકિસ્તાની ઓપનર્સ ઇમામ ઉલ હક અને ફખર જમાને તેમની ટીમને સારી શરૂઆત અપાવતાં પહેલી વિકેટની ભાગીદારીમાં ૭૮ રન જોડ્યા હતા. આ સ્કોર પર ફખર જમાન ૨૯ રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ ઇમામ સાથે શ્રેણીની શરૂઆતની બંને વન ડેમાં સદી ફટકારનાર બાબર આઝમ જોડાયો હતો, જોકે ગઈ કાલે ૩૦ રન બનાવીને ગમાગેની બોલિંગમાં બોલ્ડ આઉટ થયો હતો. ૨૦૩ રનના કુલ સ્કોર પર ઇમામ ઉલ હક ૧૨૫ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૦ રન બનાવીને આઉટ થયો ત્યારે તેણે પોતાની ટીમને જીતની પહોંચાડી દીધી હતી.
શ્રીલંકાઃ
ડિકવેલા બો. હસન ૧૮
થરંગા કો. ફખર બો. શાદાબ ૬૧
ચંદીમલ એલબી બો. શાદાબ ૧૯
કપુગેદેરા કો એન્ડ બો. હસન ૧૮
થિરિમાને કો. સરફરાઝ બો. હફીઝ ૨૮
સિરિવર્દના કો. ફખર બો. જુનૈદ ૦૨
વેન્ડરસે કો. સરફરાઝ બો. હસન ૦૦
થિસારા રનઆઉટ ૩૮
ધનંજય કો. સરફરાઝ બો. હસન ૦૧
ડી. ચમીરા કો. સરફરાઝ બો. હસન ૧૦
ગમાગે અણનમ ૦૦
વધારાના ૧૩
કુલ (૪૮.૨ ઓવરમાં ઓલઆઉટ) ૨૦૮
પાકિસ્તાનઃ
ઇમામ કો. ડિકવેલા બો. થિસારા ૧૦૦
ફખર સ્ટં. ડિકવેલા બો. વેન્ડરસે ૨૯
બાબર બો. ગમાગે ૩૦
હફીઝ અણનમ ૩૪
શોએબ અણનમ ૦૦
વધારાના ૧૬
(કુલ ૪૨.૩ ઓવરમાં ત્રણ વિકેટે) ૨૦૯

You might also like