પાક.ને સીધા રહેવાની સલાહ આપી મહેબુબાએ આફસ્પાનો મુદ્દો ઉખેળ્યો

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તીએ સીમા પર ઘુસણખોરી અંગે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. મહેબુબાએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે બંન્ને દેશો વચ્ચે શાંતિ વાર્તા માટે અનુકુળ વાતાવરણ બને તે જરૂરી છે. જેના માટે જરૂરી છે કે પાકિસ્તાન સીમાપારથી ઘૂસણખોરી બંધ કરે.

આ સાથે જ આર્મ્ડ ફોર્સિઝ સ્પેશ્યલ પાવર્સ એક્ટ (AFSPA) અંગે મહેબુબાએ કહ્યું કે રાજ્યમાંથી આતંકવાદ ખતમ થવા અને પરિસ્થિતી સામાન્ય થાય ત્યાર બાદ જ તેને હટાવવામાં આવશે. પરંતુ પાકિસ્તાને સમજવું પડશે કે બંન્ને દેશોની સીમા સંયુક્ત છે અને ક્ષેત્રમાં શાંતિ માટે વાતચીત ચાલુ કરવી પડશે. જેના માટે ઘુસણખોરી બંધ થવી જોઇએ.

તે બાબત જરા પણ છુપી નથી કે સીમા પર ઘુસણખોરી અને એન્કાઉન્ટર્સ થાય છે. પાકિસ્તાનની ભુમિકા તે જોવાની છે કે ઘુસણખોરી ન થાય અને આતંકવાદીઓને કોઇ પણ પ્રકારનું સમર્થન ન મળે. આફસ્પા ત્યારે જ હટી શકે જ્યારે ખીણ વિસ્તારમાં સંપુર્ણ શાંતિ હોય. પરંતુ સૌથી પહેલા યોગ્ય વાતાવરણ તૈયાર કરવું પડશે.

મહેબુબાએ ખીણમાં પથ્થરમારો કરી રહેલા યુવાનો અંગે કહ્યુ કે પોલીસ અને લશ્કરને પથ્થમારવાથી ઉકેલ નહી આવે. રસ્તો ભટકેલા યુવાનોને પાછા લાવવાનાં પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ યુવાનો જો હથિયાર ઉઠાવતા થઇ જશે તો તેમને બચાવવા મુશ્કેલ છે. આ સ્થાનિક યુવકો છે તેઓએ રોજગારી મેળવવા માટે શાંતિનો માર્ગ અપનાવવો પડશે.

You might also like