પાકિસ્તાને પ્રથમ વન ડેમાં વેસ્ટ ઇન્ડીઝને ૧૧૧ રને કચડી નાખ્યું

શારજાહઃ યજમાન પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીની પહેલી મેચમાં ગઈ કાલે પાકિસ્તાને વેસ્ટ ઇન્ડીઝને ૧૧૧ રને પરાજય આપ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું, જોકે તેનો આ નિર્ણય બૂમરેંગ સાબિત થયો હતો અને પાકિસ્તાને ૪૯ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૨૮૪ રન ખડક્યા હતા. પાકિસ્તાન તરફથી ઓપનર શર્જીલ ખાને ૫૪ તેમજ ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા બાબર આઝમે સદી ફટકારતા ૧૨૦ રન ફટકાર્યા હતા. ૧૩૧ બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે સદી ફટકારનાર બાબર આઝમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

૨૮૫ રનના વિજયી લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ પાકિસ્તાનના બોલિંગ આક્રમણ સામે પત્તાંના મહેલની માફક તૂટી પડી હતી અને ફક્ત ૩૮.૪ ઓવરમાં ૧૭૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વિન્ડીઝ તરફથી સૌથી વધુ ૪૬ રન સેમ્યુઅલ્સે બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહંમદ નવાઝે ચાર અને હસન અલીએ ત્રણ વિકેટ ઝડપી વેસ્ટ ઇન્ડીઝની બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી.

પાકિસ્તાનઃ ૪૯ ઓવરમાં ૯ વિકેટે ૨૮૪
વેસ્ટ ઇન્ડીઝઃ
ચાર્લ્સ કો. સરફરાઝ બો. આમિર ૨૦
બ્રાથવેઇટ કો. સરફરાઝ બો. હસન ૧૪
બ્રાવો બો. નવાઝ ૧૨
સેમ્યુઅલ્સ બો. વહાબ ૪૬
રામદીન કો. અઝહર બો. નવાઝ ૦૮
પોલાર્ડ કો. શર્જીલ બો. નવાઝ ૦૯
હોલ્ડર બો. ઇમાદ ૦૧
સી. બ્રાથવેઇટ બો. નવાઝ ૧૫
નરૈન કો. ઇમાદ બો. હસન ૨૩
સુલેમાન બેન અણનમ ૧૬
ગેબ્રિયલ બો. હસન ૦૨
વધારાના ૯
કુલ (૩૮.૪ ઓવરમાં ઓલઆઉટ) ૧૭૫

You might also like