પાક.ની નાપાક હરકતો જારીઃ મોડી રાત્રે ફાયરિંગ કર્યુંઃ ભારતનો વળતો જવાબ

જમ્મુ: પાકિસ્તાની દળોએ વધુ એક વખત યુદ્ધ વિરામ ભંગ કર્યો છે. રવિવારે મોડી રાત્રે પાકિસ્તાની રેન્જરોએ જમ્મુના પુંચ સેકટરમાં ભારતીય સૈન્ય ચોકીઓ અને રહેણાક વિસ્તારોને નિશાન બનાવીને જોરદાર ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાના જવાનોએ પણ તેનો જડબાંતોડ જવાબ આપ્યો હતો.

રવિવારે મોડી રાત્રે પુંચના દીગવાર અને કરમારા સેકટરમાં પાકિસ્તાની દળોએ કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર ભારે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પાકિસ્તાનનાં ફાયરિંગના જવાબમાં ભારતીય દળોએ પણ વળતું ફાયરિંગ કર્યું હતું. એવા અહેવાલો છે કે ભારતીય દળોના ફાયરિંગના કારણે સરહદની પેલે પાર પાકિસ્તાનના ક્ષેત્રમાં ભારે નુકસાન પહોંચ્યું છે તેમ છતાં પાક. દળોએ ભારતીય સેનાની ચોકીઓ અને રહેણાક વિસ્તારો પણ ગોળીબાર ચાલુ રાખ્યા હતા.

આમ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરવાનું નામ લેતું નથી. શનિવારે રાત્રે પણ પાકિસ્તાની દળોએ વધુ એક વખત યુદ્ધ વિરામનો ભંગ કરીને નૌશેરા સેકટરમાં ભયંકર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાની રેન્જરો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સરહદી વિસ્તારના કેટલાંક ઘરોને નુકસાન પહોંચ્યું હતું. જોકે કોઇ મોટી ખુવારી થઇ હોવાના અહેવાલ નથી, પરંતુ ભારતીય સેનાની સતર્કતાને કારણે પાકિસ્તાની સેેનાની બંદૂકો શાંત થઇ ગઇ હતી. ભારતીય સેેનાએ પણ પાકિસ્તાનના કેટલાય વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.

પાકિસ્તાની સેના છેલ્લા કેટલાય મહિનાથી નિયમિત રીતે યુદ્ધ વિરામનો ભંગ કરી રહી છે. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીની અનેક વખત કોશિશ કરવામાં આવી છે. જોકે ભારતીય સેનાએ તેના આ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે. દરમિયાન સરહદ પર પાકિસ્તાન તરફથી થતા સતત ફાયરિંગના કારણે લોકોને થતાં નુકસાન અને તેને પગલે ઊભી થતી સમસ્યાઓ સામે કામ લેેવા ગૃહ મંત્રાલયે પાંચ સભ્યોનું એક સ્ટડી ગ્રૂપ બનાવ્યું છે.

You might also like