પાક.નો ફરી યુદ્ધવિરામભંગઃ પૂંચ સેક્ટરમાં ફાયરિંગ ચાલુ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂંચમાં પાકિસ્તાને ફરી એક વાર યુદ્ધવિરામભંગ કર્યો છે, જોકે પાકિસ્તાન તરફથી કરવામાં આવતા ફાયરિંગ સામે ભારતીય સેના પણ વળતો જવાબ આપી રહી છે. બંને સેના તરફથી થઈ રહેલા ગોળીબારમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.

ગત બુધવારે બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે પાકિસ્તાનની સેના તરફથી પૂંચના જ માલતી અને દિગ્વાર વિસ્તારમાં પણ ફાયરિંગની ઘટના બહાર આવી હતી. આ રીતે પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયર ભંગ થઈ રહ્યો છે અને અવારનવાર બંને દેશની સેના વચ્ચે ફાયરિંગ થતું રહે છે. ગઈ કાલ રાતથી અત્યાર સુધી બંને તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે તેના કારણે આ વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે. હાલ ભારતીય સેના તરફથી આ વિસ્તારમાં નાકાબંધી જાહેર કરી દેવામાં આ‍વી છે અને પાકિસ્તાનના સૈનિકો ક્યાં છુપાયા છે તેની શોધખોળ ચાલી રહી છે. ગઈ કાલ રાતે પાકિસ્તાન તરફથી એકાએક ગોળીબાર શરૂ થયા બાદ આ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે, જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી તે રાહતની વાત ગણી શકાય. આ પહેલાં પણ ગત મંગળવારે પાકિસ્તાને યુદ્ધવિરામભંગ કર્યો હતો, જેમાં એક ૧૦ વર્ષના બાળક સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં તેમજ એક જવાન પણ શહીદ થયો હતો.

કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ
ગત ૨૭ સપ્ટેમ્બરે પણ પૂંચ અને ભીમ્બર સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધવિરામભંગ કર્યો હતો. કાશ્મીરના બાંદીપોરામાં સેનાના જવાનોએ ગહન તપાસ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી અને હવે ફરી અેક વાર પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પૂંચમાં યુદ્ધવિરામભંગ કર્યો છે તેને ધ્યાનમાં લઈને ભારતીય સેનાએ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

You might also like