પાક.નો યુદ્ધવિરામ ભંગનો સિલસિલો જારીઃ પૂંચમાં ફરી ગોળીબાર, એક જવાન ગંભીર

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પૂંચ સેકટરમાં પાકિસ્તાની દળો દ્વારા વધુ એક વખત યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો છે. પાક. દળોના ગોળીબારમાં એક ભારતીય જવાનને ગંભીર ઇજા પહોંચી છે. આ યુદ્વવિરામ ભંગ પૂંચના કેજી સેકટરમાં કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુુસાર પાકિસ્તાની સેનાએ ઇન્ડિયન આર્મીની પોસ્ટને નિશાન બનાવી હતી.

શુક્રવારે પણ પાકિસ્તાની સુરક્ષા દળોએ જમ્મુના પૂંચ વિસ્તારમાં યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. પાકિસ્તાની દળોએ પૂંચના માલ્તી વિસ્તારમાં એલઓસી પર ફાયરિંગ કર્યું હતું તેમજ પાકિસ્તાની રેન્જરોએ પૂંચમાં ફાયરિંગ કરવા ઉપરાંત મોર્ટારમારો પણ ચલાવ્યો હતો. ભારતીય દળોએ પણ પાક. રેન્જર્સના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાન તરફ ફાયરિંગ કર્યું હતું. ભારતની સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની દળો દ્વારા લગભગ દરરોજ યુદ્ધવિરામ ભંગ કરવામાં આવી રહ્યો છે. સરહદ પર ભારે તંગદિલી પ્રવર્તી રહી છે.

ગુરુવારે પણ પાકિસ્તાની રેન્જર્સે રાજૌરી જિલ્લાના સુંદેરબાની સેકટરમાં ઇન્ડિયન આર્મીની પોસ્ટ અને રહેણાક વિસ્તાર પર મોર્ટાર બોમ્બ તાક્યા હતા. રાજૌરી જિલ્લાના નૌશેરામાં પાક. લશ્કરે સતત ગોળીબાર કર્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં એલઓસી પર ૧૪થી વધુ વખત યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યા છે. એલઓસી નજીકનાં ગામડાંઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની દળો છેલ્લા કેટલાક સમયથી સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યા છે. ગઇ સાલ પણ પાકિસ્તાન તરફથી ગોળીબારની ૪૦પ ઘટનાઓ ઘટી હતી, જેમાં ૧૬ નાગરિકો માર્યા ગયા હતા અને ૭૧ લોકો ઘાયલ થયા હતા.

You might also like