પાકિસ્તાને ત્રણ દિવસમાં સાતમી વાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં સીમા બોર્ડર પર પાકિસ્તાન પોતાની હરકતોથી વાજ આવી રહ્યું નથી. પાકિસ્તાને આજે સવારે એક વાર ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ગુરુવારે સવારથી જ પુંચ જિલ્લામાં એલઓસી સાથે જોડાયેલા ખારી કરમારા ક્ષેત્રમાં ગોળીબાર ચાલી રહ્યો છે. ભારતીય સેના પણ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં પાકિસ્તાન તરફથી સીઝ ફાયરની આ સાતમી ઘટના છે.

પાકિસ્તાન સેનાએ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતાં ગઈ કાલે જમ્મુ કાશ્મીરમાં બોર્ડર પર આવેલી મુખ્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો અને મોર્ટારના ગોળા ફેંક્યા હતા. રક્ષા વિભાગના અધિકારીએ આ જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ પુંચ જિલ્લામાં ગુલપુર અને ખારી કરમારામાં ચોકીઓને નિશાન બનાવી હતી.

સવારે લગભગ ૯.૦૦ વાગ્યે પાકિસ્તાની સેનાએ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતાં પુંચમાં નાના હથિયારો અને ભારે કેલિબર હથિયારોથી ગોળી ચલાવી અને ગોળા ફેંક્યા હતા. તેમણે કહ્યું કે ભારતીય જવાનોએ આનો જડબાતોડ જવાબ આપ્યો.

પાકિસ્તાન ૨૦૦૩માં ભારત સાથે થયેલી સંઘર્ષ વિરામ સમજૂતીનું સતત ઉલ્લંઘન કરે છે. ૨૦૧૮માં છેલ્લાં ૧૫ વર્ષમાં સૌથી વધુ પાકિસ્તાની સૈનિકોએ ૨૯૩૬ વાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ મનકોટે, ખારી કરમારા, ગુલપુર અને પુંચ વિસ્તારમાં મુખ્ય ચોકીઓને નિશાન બનાવી, જોકે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

You might also like