પાક.ની બે મહિલા ફૂટબોલરે દુબઈની ટિકિટ કન્ફર્મ કરી

દુબઈઃ પાકિસ્તાનની બે મહિલા ફૂટબોલ ખેલાડીઓએ યુએઈમાં ગત બુધવારથી શરૂ થયેલી આઈએફએ વુમન ફૂટબોલ લીગ માટે દુબઈની રોસોનરી ક્લબ સાથે કરાર કર્યા છે. પાકિસ્તાન મહિલા ફૂટબોલની ટીમની અતિ સુંદર ગોલકીપર મહપરા શાહિદ અને ૧૭ વર્ષીય મિડફિલ્ડર ઝુલ્ફીઆ નઝીર ત્રણ મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટો હિસ્સો બની રહેશે. મહપરા શાહિદ પાકિસ્તાન તરફથી ૨૦થી વધુ મેચ રમી ચૂકી છે. તેનું કહેવું છે કે આ એક સુંદર તક છે, જેનાથી તમે તમારી ક્ષમતા વધારી શકો છો. સાથે સાથે પાકિસ્તાની ફૂટબોલમાં પણ ભવિષ્યમાં મદદ કરી શકાશે.

૨૨ વર્ષીય મહપરાએ જણાવ્યું કે, ”અન્ય દેશમાં રમવા‍થી હંમશાં તમને કંઈક શીખવા મળે છે. અમે કેટલાંક કારણોસર અમારા દેશમાં ફૂટબોલ રમી શકતા નથી, પરંતુ આ અમારા માટે સારી તક છે, જેના કારણે હું મારું ફૂટબોલ રમવાનું ચાલુ રાખી શકીશ અને વધુમાં વધુ અનુભવ હાંસલ કરી શકીશ.”

ઝુલ્ફીઆ નઝીર છ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે અને તે આ લીગ દ્વારા પોતાની ક્ષમતાઓમાં સુધારો કરવા ઇચ્છે છે. આ લીગમાં બે ટૂર્નામેન્ટ રમાશે. ૧૭ વર્ષની ઝુલ્ફીઆ કહે છે, ”નાણાકીય ફાયદાથી વધુ આ લીગમાંથી હું કંઈક શીખવા માગું છું.” ઝુલ્ફીઆ હાલ દુબઈના બાર્સિલોના એફસીમાં એક શોર્ટ ટ્રેનિંગ કેમ્પો હિસ્સો છે. બે ફૂટબોલ ફેડરેશનમાં ચાલી રહેલા જંગને કારણે પાકિસ્તાનમાં હાલ ફૂટબોલની મેચો રમાતી નથી.

ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બરમાં મહપરા શાહિદે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી હતી. તેની સુંદરતાને જોઈને લોકો તેના દીવાના બની ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો બાદ મહપરાને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ લોક કરી દેવું પડ્યું હતું. બહુ જ ક્યૂટ અને નશીલી આંખો ધરાવતી મહપરા શાહીદનું ફેસબુક એકાઉન્ટ પણ શાનદાર તસવીરોથી ભર્યું પડ્યું છે. ૨૦૦૭માં પાકિસ્તાન રાઇઝિંગ ફૂટબોલ ક્લબથી ડેબ્યૂ કરનારી આ ખેલાડી પોતાની ગેમમાં પણ શાનદાર છે. પહેલાં તે ડિફેન્ડરની ભૂમિકામાં હતી, પરંતુ વર્ષ ૨૦૦૮માં તે ગોલકીપર બની ગઈ. પોતાની શાનદાર ગેમને કારણે મહપરા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડની જેમ ‘ધ વોલ’ના નામથી જાણીતી છે.
http://sambhaavnews.com/

You might also like