પાક.નો ફરી યુદ્ધવિરામ ભંગઃ ફાયરિંગમાં બે વ્યક્તિનાં મોત

નવી દિલ્હી: એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા નાપાક હરકત હજુ યથાવત્ છે, જેમાં ગઈ કાલે રાતે પાક. સેનાએ ફરી યુદ્ધવિરામ ભંગ કરી નૌશેરા સેકટરમાં ફાયરિંગ કરવા સાથે મોર્ટાર છોડ્યા હતા. જેમાં આ વિસ્તારમાં રહેતા બે વ્યકિતના મોત થયા છે. ત્રણ દિવસમાં પાકિસ્તાન તરફથી ત્રીજી વખત યુદ્ધ વિરામ ભંગ થતાં આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. જોકે પાકની આવી હરકતનો ભારતીય સેના તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવી રહ્યો છે.

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ આ વિસ્તારના ત્રણ ગામના લોકોને નિશાન બનાવી અેકાએક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના કારણે ભવાની, બાબા ખોવારી અને કલસિવા ગામના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પાક. સેનાએ નાના હથિયારો ઉપરાંત ઓટોમેટિક ગન્સ અને ૧૨૦ મિ‌િલમીટરના મોર્ટારનો ઉપયોગ કર્યો હતો. આમ તો સામાન્ય રીતે પાક. સેના જમ્મુ વિસ્તારમાં આતંકીઓને ઘૂસણખોરી કરવામાં મદદરૂપ બનવા માટે સીઝ ફાયરનો ભંગ કરે છે. ગઈ કાલે પણ પાક. સેનાએ જમ્મુના અરનિયા વિસ્તારમાં યુદ્ધવિરામ ભંગ કર્યો હતો, જેમાં થયેલા ફાયરિંગમાં બીએસએફના જવાનને ઈજા થઈ હતી. જોકે બાદમાં બીએસએફ તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો, જેમાં પાક. સેનાના બે જવાનને ઈજા થઈ હતી.

દરમિયાન નૌશેરા સેકટરમાં થયેલા ફાયરિંગમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. હાલ ભારતીય સેના અને પાક. સેના વચ્ચે ફાયરિંગ ચાલુ છે. તેથી આ વિસ્તારમાં આવેલા ગામના લોકોને હાલ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાક. તરફથી અત્યાર સુધીમાં મે માસમાં જ લગભગ ૧૦ વખત યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો છે ત્યારે બીએસએફ તરફથી પણ પાક. સેનાને વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. સતત બે દિવસથી પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝ ફાયર ભંગથી આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ૨૦૧૫ અને ૨૦૧૬ અેમ બે વર્ષમાં કરેલા યુદ્ધ વિરામભંગથી સેનાના ૨૩ જવાન શહીદ થયા છે.

જયારે સેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં ૫૦૭ આતંકી ઠાર થયા છે.આ ઉપરાંત ૨૦૧૨માં જમ્મુ-કાશ્મીરમાં ૨૨૦ અને ૨૦૧૬માં ૩૨૨ આંતકી હુમલાની ઘટના બની હતી. ૨૦૧૬માં ૮૨ જવાન શહીદ થયા હતા. અને ૧૫ નાગરિક માર્યા ગયા હતા..
http://sambhaavnews.com/

You might also like