પાકિસ્તાન ૧૩ દિવસ માટે લાહોર, કરાચી પરની એરસ્પેસ બંધ કરશે

ઈસ્લામાબાદ: પાકિસ્તાને ૮ ઓક્ટોબરથી કરાચી અને લાહોર પરની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ બંને શહેરો પરની એરસ્પેસ ૧૩ દિવસ માટે બંધ રહેશે. પાકિસ્તાને તેની પાછળ ઓપરેશનલ કારણ હોવાનું જણાવ્યું છે. આ સમયગાળા દરમિયાન રોજ ૧૮ કલાક સુધી એરસ્પેસ બંધ રહેશે. સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રના જણાવ્યા અનુસાર શક્ય છે કે પાકિસ્તાને પોતાની વાયુસેના માટે યુદ્ધની પ્રેક્ટિસ કરવા માટે એરસ્પેસને ખાલી કરાવવાનો નિર્ણય કર્યો હોઈ શકે. નિષ્ણાતોનું માનવું છે કે કેટલાય દેશો આ પ્રકારની યુદ્ધ કવાયત કરતા હોય છે, પરંતુ આજકાલ વ્યસ્ત એરપોર્ટને આટલો લાંબો સમય બંધ રાખવા એક અસામાન્ય ઘટના છે. ભારતીય અધિકારીઓ પણ આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે, કારણ કે જ્યારે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ હોય ત્યારે આવી બધી કવાયતો થતી હોય છે અને એરસ્પેસ બંધ કરવાના નિર્ણય લેવામાં આવતા હોય છે.

ભારતીય વાયુદળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધ એર કોમ્બેટના અભ્યાસનો એક ભાગ લાગુ રહ્યો છે. અમે જાણીએ છીએ કે હાલ વાર્ષિક હાઈમાર્ક પ્રેક્ટિસ ચાલી રહી છે અને ગત સપ્તાહે પીઓકેમાં પણ વિમાની ઉડ્ડયન પર પ્રતિબંધ મૂક્યો હતો. એર ચીફ માર્શલ અનુપ રાહે જોકે આ કવાયત યોગાનુયાગ હોવાનું જણાવ્યું છે.

એર ટ્રાફિક કન્ટ્રોલ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ઘટનાક્રમથી ભારતથી ઉડાન ભરતી અને અત્રે આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં કોઈ અવરોધ ઊભો થશે નહીં, કારણ કે આ માટે વૈકલ્પિક રૂટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન બંને શહેરોમાં એરસ્પેસને ૮ ઓક્ટોબરથી બંધ કરશે અને ૨૨ ઓક્ટોબર સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે. ત્રણ તબક્કામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો ૮થી ૧૩ ઓક્ટોબર, બીજો તબક્કો ૧૫થી ૨૦ ઓક્ટોબર અને ત્રીજો તબક્કો ૨૨ ઓક્ટોબરનો હશે.

You might also like