પાકિસ્તાન સાઉદી અરબમાં પણ સૈનિકો તહેનાત કરશે

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની સરકારે તેની વિદેશની‌િતમાં ફેરફાર કરીને હવે સાઉદી અરબમાં તેના સૈનિકોને તહેનાત કરવા નિર્ણય કર્યો છે. રાવલપિંંડીમાં સેનાના મુખ્ય કાર્યાલયમાં સાઉદી અરબના રાજદૂત નવાફ સઈદ અને પાક. સેનાના પ્રમુખ જનરલ કમર બાજવા વચ્ચે યોજાયેલી બેઠકમાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે પાકિસ્તાનમાં આગામી દિવસોમાં તેના વિપરીત પ્રત્યાઘાત પડે તેવી સંભાવના છે અને ત્યાંના રાજકારણમાં ઊથલપાથલ મચે તેવી પણ શક્યતા છે, કારણ યમન યુદ્ધની શરૂઆત વખતે પાકિસ્તાનની સંસદે એક પ્રસ્તાવ પાસ કર્યો હતો.

પાકિસ્તાનની સેનાના પ્રમુખે જણાવ્યું કે પાકિસ્તાન સાઉદી દ્વિપક્ષીય સુરક્ષા સહયોગને જારી રાખીને સેનાની એક ટીમને ટ્રેનિંગ માટે સાઉદી અરબ મોકલી રહી છે. આ સૈનિકોને તેમજ ત્યાં પહેલાંથી જ રહેલા સૈનિકોને સાઉદી અરબથી બહાર તહેનાત કરવામાં નહિ આવે. તેમણે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન અનેક અખાતી અને પ્રાદેશિક દેશો સાથે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ ટકાવી રાખ્યો છે.

સેના દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ બાજવા અને રાજદૂત વચ્ચેની બેઠકમાં પરસ્પર હિતના મામલે પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાઉદી અરબમાં લગભગ એક હજાર પાકિસ્તાની જવાન તહેનાત છે, જેઓ ત્યાં વિવિધ ભૂમિકા ભજવી રહ્યા છે.

અખબાર ડોને સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફુરના હવાલાથી જણાવ્યું હતું કે હવે જે સૈનિકોને તહેનાત કરવામાં આવશે તેમાં એક ડિવિઝનથી ઓછી જગ્યામાં થશે. દરમિયાન એવું જાણવા મળી રહ્યું છે કે સાઉદી અરબ ૨૦૧૫થી જ પાકિસ્તાન પર સૈનિકો મોકલવાનું દબાણ કરી રહ્યું છે અને તે વર્ષથી જ સાઉદી અરબ યમનના ગૃહયુદ્ધમાં કૂદી પડ્યું હતું, જોકે ૨૦૧૫થી અત્યાર સુધી પાકિસ્તાન સાઉદી અરબની વાતને કોઈ ને કોઈ રીતે ટાળી રહ્યું હતું.

પાકિસ્તાનનું કહેવું હતું કે તે કોઈ અન્ય ક્ષેત્રના વિવાદમાં પડવા નથી માગતું અને તેની કોશિશ એવી રહી છે કે તે સાઉદી અરબ, ઈરાન, તુર્કી, કતાર અને મિડલ ઈસ્ટના બાકી દેશો સાથે એકસમાન સંબંધ રાખી શકે અને તેમાં બાજવા મહત્ત્વનો રોલ ભજવી રહ્યા છે.

You might also like