પાકિસ્તાનના આતંકી ભારત-અફઘાનમાં હુમલાની સાજિશ ઘડી રહ્યા છેઃ અમેરિકા

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનના આતંકીઓ ભારત-અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાની સાજિશ ઘડી રહ્યા છે. ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ અને આતંકીઓ પર લગામ કસવામાં નિષ્ફળ ગયું છે. અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર ડેનિયલ કોટ્સે અમેરિકન સાંસદોને સંબોધતાં જણાવ્યું હતું કે આ આતંકી જૂથો આ પ્રદેશમાં અમેરિકાના હિતને સતત ખતરો ઊભો કરતાં રહેશે અને આતંકીઓ ભારત અને પાકિસ્તાનમાં હુમલા કરવાની સતત સાજિશ ઘડી રહ્યા છે. તેમણે વધુમાં અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે પાકિસ્તાન વ્યૂહાત્મક અણુશસ્ત્રોમાં આગળ વધીને પોતાનો અણુભંડાર વિસ્તારી રહ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસતા જતા સંબંધ માટે અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. અમેરિકાએ એવી ચેતવણી આપી છે કે હવે જો કોઇ મોટો આતંકી હુમલો થશે તો બંને દેશ વચ્ચેના સંબંધ વધુ વણસી શકે છે. અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટની પ્રવર સમિતિ સમક્ષ નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેકટર ડેનિયલ કોટસે જણાવ્યું છે કે ભારત વિરોધી આતંકીઓને સમર્થન આપવામાં ઇસ્લામાબાદની નિષ્ફળતા, તેમની આ નીતિ પ્રત્યે ભારતની ખૂટતી જતી સહનશીલતા અને પઠાણકોટ એરફોર્સ મથક પર આતંકી હુમલાની પાકિસ્તાન તરફથી તપાસમાં પ્રગતિના અભાવને કારણે ર૦૧૬માં જ બંને દેશના દ્વિપક્ષીય સંબંધ ખરાબ થવા માટેનો તખ્તો તૈયાર થઇ ગયો હતો.

ડેનિયલે જણાવ્યું છે કે ર૦૧૬માં પાકિસ્તાન તરફથી ભારતમાં ઘૂસેલા આતંકીઓ દ્વારા કરવામાં આવેલા બે આતંકી હુમલાના કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધ અત્યંત તણાવગ્રસ્ત થઇ ગયા હતા. પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટ માટે સીમા પારથી ચાલતા ત્રાસવાદને સમર્થન બંધ કરવાની ભારતની પૂર્વ શરતને સમર્થન આપતાં ડેનિયલ કોટસે જણાવ્યું છે કે અંકુશ રેખા પર ફાયરિંગની વધતી જતી ઘટનાથી બંને દેશ વચ્ચે તંગદિલી વધવાનો ખતરો ઝળુંબી રહ્યો છે.

ડેનિયલે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના વધતા જતા કદ, વિદેશમાં વધતી જતી તેની પહોંચ અને અમેરિકા સાથે ગાઢ બની રહેલા સંબંધોને કારણે પાકિસ્તાન એકલું પડી જવાની શકયતાથી તેઓ ચિંતિત છે. આ સ્થિતિમાં પાકિસ્તાન ચીન તરફ ઢળી શકે છે. જેના કારણે ચીનને હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવામાં મદદ મળી રહેશે.
http://sambhaavnews.com/

You might also like