ભારત વિરુદ્ધ બાળકોમાં ઝેર ભરી રહ્યું છે પાકિસ્તાનઃ પાઠ્ય પુસ્તકો પણ ખોટા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનમાં શત્રુતા વધારવામાં અહીંની સ્કૂલોમાં ભણાવવામાં અાવતાં પાઠ્ય પુસ્તકોનું પણ સો ટકા યોગદાન છે. પાકિસ્તાનમાં ૧૦મા ધોરણની સ્કૂલોમાં ભણાવાતાં પુસ્તકોમાં ભારત પ્રત્યે ઝેર ભરેલું છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ૧૦મા ધોરણના ઇતિહાસમાં પાઠ્ય પુસ્તકમાં પ્રકાશિત ખોટી હકીકતો બાળકોને શીખવવામાં અાવી રહી છે.

બાળકોના ૧૦મા ધોરણના પુસ્તકમાં લખવામાં અાવ્યું છે કે હિંદુઅો જ ૧૯૪૭ના ભાગલા માટે જવાબદાર હતા. હિંદુઅોઅે મુસલમાનોને મોતને ઘાટ ઉતાર્યા. તેમની મિલકતો લૂંટી અને તેમને ભારતમાંથી બહાર જવા માટે મજબૂર કર્યા.

એટલું જ નહીં ત્યાંના વિદ્યાર્થીઅો પણ એટલું જ કહે છે કે ભારતે અમારી પર નજર નાખી તેથી અમારે પાકિસ્તાન બનાવવું પડ્યું. બીજી તરફ ભારતની સ્કૂલોમાં ઇતિહાસના પુસ્તકોમાં ભણાવાય છે કે ભારતને મહાત્મા ગાંધીના પ્રયાસોથી અાઝાદી મળી. તેઅો ભારતના એકીકરણના પક્ષમાં હતા પરંતુ મુસ્લિમ લીગની અલગ દેશ બનાવવાની જીદથી પાકિસ્તાનનો જન્મ થયો.

પાકિસ્તાનના હાઈસ્કૂલના વિદ્યાર્થી નોમન અફઝલે જણાવ્યું કે સ્કૂલમાં કરાવાતા ઇતિહાસના પુસ્તકોમાંથી જાણવા મળે છે કે વિશ્વાસઘાતી હિંદુઅો ૧૯૪૭માં થયેલા લોહિયાળ જંગ માટે જવાબદાર હતા. રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સીમા પાર પાકિસ્તાનમાં વિદ્યાર્થીઅોને ઇતિહાસને પોતાના પક્ષમાં તોડી મરોડીને ભણાવવામાં અાવી રહ્યો છે. તેનાથી લાંબા સમયથી કટ્ટર વિરોધી રહેલા બંને દેશો વચ્ચે સદ્ભાવના ઊભી થાય તેવી અાશા ખૂબ જ અોછી છે.

૧૯૪૭માં દેશના વિભાજન સમયે થયેલી હિંસામાં ૨૦ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. તે સમયે થયેલી નરસંહારની ઘટનાઅોઅે ભારત અને પાકિસ્તાન વચ્ચે શત્રુતા અને કડવાશના બીજ રોપ્યાં હતાં. પાકિસ્તાન અૈતિહાસિક તથ્યોને તોડીને પુસ્તકોનાં માધ્યમથી વિદ્યાર્થી સામે મૂકી રહ્યું છે જેના કારણે ભાવિ પેઢીના દિલદિમાગમાં શત્રુતા વધી રહી છે.

પાકિસ્તાનની સ્કૂલોમાં ભણાવાતા ઇતિહાસમાં સ્વતંત્રતા અાંદોલનમાં મહાત્મા ગાંધીના યોગદાનને બિલકુલ નકારી દેવાયું છે. જ્યારે ભારતમાં ભણાવાતા ઇતિહાસમાં તેમને વનમેન અાર્મીની સંજ્ઞા અપાઈ છે. પાકિસ્તાનના ઇતિહાસના પુસ્તકોમાં ભણાવાય છે કે મુસ્લિમ લીગ મુસલમાનોના અાત્મ સન્માન અને તેમને સ્વતંત્રતા અપાવવા માટે લડી. અાપણા ઇતિહાસમાં લખ્યું છે કે ભારત અંગ્રેજો સામે લડ્યું. તેમના ઇતિહાસના પુસ્તકોમાં લખ્યું છે કે પાકિસ્તાન અા લડાઈ અંગ્રેજોથી જીત્યું.

You might also like