પ્રથમ વન ડેમાં શ્રીલંકાનો ૮૩ રને પાક. સામે પરાજય

અબુધાબીઃ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચની વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને ૮૩ રને પરાજય આપ્યો. પાકિસ્તાનના ૨૯૨ રનના જવાબમાં શ્રીલંકાની ટીમ ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૦૯ રન જ બનાવી શકી હતી. શોએબ મલિકને તેની તોફાની ઇનિંગ્સ (૮૧ રન) બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે બાબર આઝમે પાક. તરફથી છેલ્લાં પાંચ વર્ષની સૌથી ધીમી સદી (૧૩૧ બોલમાં પાંચ ચોગ્ગા સાથે ૧૦૩ રન) નોંધાવી હતી.

ગઈ કાલે શ્રીલંકાએ ટોસ જીત્યો હતો અને કેપ્ટન ઉપુલ થરંગાએ પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અહમદ શહજાદ શૂન્ય રને આઉટ થયો ત્યારે પાક.નો સ્કોર ૧૧ રન હતો. ત્યારબાદ ફખર જમાન અને બાબર આઝમને પાકિસ્તાની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ સ્કોર ૭૫ રન સુધી પહોંચાડી દીધો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં સદી ફટકારનારો ફખર જમાન ૪૫ બોલમાં ૪૩ રન બનાવીને આઉટ થયો હતો.

મોહંમદ હફીઝે ૩૮ બોલમાં ૩૨ રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે ‘મેન ઓફ ધ મેચ’ જાહેર થયેલા શોએબ મલિકે ૬૧ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૮૧ રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે બાબર આઝમ ૧૦૩ રન બનાવીને આઉટ થયો હતો. આ તેની વન ડે કરિયરની છઠ્ઠી સદી હતી અને તેની કરિયરની પણ સૌથી ધીમી સદી હતી.

બાબરે બીજી વિકેટ માટે ફખર જમાન સાથે ૬૪ રનની અને ત્રીજી વિકેટ
માટે મોહંમદ હફીઝ સાથે ૪૯ રનની ભાગીદારી નોંધાવી હતી, જ્યારે ચોથી વિકેટ માટે શોએબ મલિક સાથે બાબરે ૧૩૯ રનની ભાગીદારી નોંધાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

શ્રીલંકા તરફથી લહિરુ થિરિમાને અને અકિલા ધનંજયે અર્ધસદી ફટકારી. થિરિમાનેએ ૭૪ બોલમાં ૫૩ રન, જ્યારે ધનંજયે ૫૦ રન બનાવીને અણનમ રહ્યો હતો. આ બે બેટ્સમેન સિવાય અન્ય કોઈ શ્રીલંકન ખેલાડી મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. પાકિસ્તાન તરફથી રુમ્મન રઈસ અને હસન અલીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને શ્રીલંકાના પરાજયમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ જીત સાથે પાકિસ્તાન શ્રેણીમાં ૧-૦થી આગળ થઈ ગયું છે. અગાઉ બે ટેસ્ટ મેચની શ્રેણી શ્રીલંકાએ ૨-૦થી જીતી લીધી હતી.
પાકિસ્તાનઃ
ફખર જમાન બો. ધનંજય ૪૩
શેહઝાદ કો. ધનંજય બો. ગમાગે ૦૦
બાબર કો. મેન્ડિસ બો. લકમલ ૧૦૩
હફીઝ કો. થિસારા બો. વાન્ડરસે ૩૨
શોએબ કો. ધનંજય બો. લકમલ ૮૧
સરફરાઝ કો. થારંગા બો. થિસારા ૦૧
ઇમાદ વસીમ અણનમ ૧૦
હસન અલી અણનમ ૧૦
વધારાના ૧૧
કુલ (૫૦ ઓવરમાં છ વિકેટે) ૨૯૨
શ્રીલંકાઃ
ડિકવિલા કો. સરફરાઝ બો. રઈસ ૧૯
થારંગા બો. હફીઝ ૧૮
ચાંદીમલ એલબી બો. રઈસ ૦૪
થિરિમાને એલબી બો. રઈસ ૫૩
મેન્ડિસ કો. સરફરાઝ બો. હસન ૦૨
મિલિન્દા બો. હસન ૦૦
થિસારા કો. અશરફ બો. શાદાબ ૨૧
ધનંજય અણનમ ૫૦
વાન્ડરસે કો. સરફરાઝ બો. હસન ૨૫
લકમલ અણનમ ૦૭
વધારાના ૧૦
કુલ (૫૦ ઓવરમાં આઠ વિકેટે) ૨૦૯

You might also like