પાકિસ્તાન-શ્રીલંકાની મેચ ઉપર સટ્ટો રમાડતા છ સટોડિયાની ધરપકડ

અમદાવાદ: ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતી છ વ્યક્તિઓની ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ જગ્યાએથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘાટલોડિયાના ચાણક્યપુરી શોપિંગ સેન્ટર આવેલી ઓફિસમાંથી ચાર વ્યક્તિઓ અને ત્રાગડ ગામના અદાણી પ્રથમ ફલેટમાંથી બે વ્યક્તિઓને ઝડપી લીધી હતી. પોલીસે કુલ ૧પ મોબાઇલ, ર૦ હજાર રોકડ, બે ટીવી સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

હાલમાં ઇંગ્લેન્ડમાં રમાતી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પર શહેરમાં સટોડિયાઓ લાખો કરોડો રૂપિયાનો સટ્ટો રમાડી રહ્યા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના પગલે ગઇ કાલે યોજાયેલી પાકિસ્તાન શ્રીલંકા વચ્ચેની મેચ પર સટ્ટો રમાતો હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વાય.એમ. ગોહિલને મળી હતી. તેના આધારે ઘાટલોડિયાના ચાણક્યપુરી શોપિંગ સેન્ટરમાં આવેલી ઓફિસમાં દરોડો પાડી અને રાજેશ ઉર્ફે રાજુ ભરવાડ (રહે.ચાણક્યપુરી), નમન શાહ (રહે.નિર્માણ કોમ્પ્લેક્સ, ચાણક્યપુરી), પરેશ બાબુલાલ શાહ (રહે. સેકટર-૧, ચાણક્યપુરી) અને કેતુલ ઉર્ફે કે.ડી. ઠક્કર (રહે.ચાણક્યપુરી)ને ઝડપી લીધા હતા. આરોપીઓ બોબડીલાઇન દ્વારા ભાવ મેળવી મોબાઇલ ફોન ઉપર ગ્રાહકોને ભાવ આપતા હતા. પોલીસે તેઓની પાસેથી ૧૧ મોબાઇલ ફોન, લેપટોપ, ર૦ હજાર રોકડા અને ટીવી કબજે કર્યાં હતાં.

ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ બીએસ કોરાટને પણ બાતમી મળી હતી કે ત્રાગડ ગામમાં આવેલા અદાણી પ્રથમ ફલેટમાં બે વ્યક્તિઓ પાકિસ્તાન શ્રીલંકા વચ્ચેની મેચ પર સટ્ટો રમાડી રહી છે. જેના આધારે તેઓએ જગદીશ ભોગીલાલ ઠક્કર અને વિશાલ હસમુખભાઇ ઠક્કરને ચાર મોબાઇલ ફોન અને ટીવી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
http://sambhaavnews.com/

You might also like