ભારત સામે કારમા પરાજય બાદ પાક.નો અપસેટઃ આફ્રિકા સામે ૧૯ રને વિજય

બર્મિંગહમઃ ગત રવિવારે ભારત સામે કારમા પરાજય બાદ ગઈ કાલે વરસાદગ્રસ્ત મેચમાં અપસેટ સર્જીને દુનિયાની નંબર એક વન ડે ટીમ દક્ષિણ આફ્રિકાને ડક્વર્થ-લૂઇસ નિયમ અંતર્ગત ૧૯ રનથી હરાવીને અપસેટ સર્જ્યો છે.

કિસ્તાનની આ જીત બાદ બધાની નજર આજે રમાનારી ભારત-શ્રીલંકાની મેચ પર છે. જો શ્રીલંકા આજે ભારત સામે જીતી જાય તો ભારતની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ગઈ કાલે રમાયેલી મેચમાં પાકિસ્તાને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું અને પહેલી બેટિંગ કરનારી દક્ષિણ આફ્રિકાની ટીમને ૫૦ ઓવરમાં ફક્ત ૨૧૯ રન પર રોકી દીધી હતી. પાકિસ્તાન તરફથી મેન ઓફ ધ મેચ જાહેર થયેલા હસન અલીએ ત્રણ વિકેટ ઝડપીને દ. આફ્રિકાની બેટિંગની કમર તોડી નાખી હતી. તેણે આઠ ઓવરમાં ફક્ત ૨૪ રન જ આપીને શાનદર બોલિંગ કરી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાની ટીમે પણ ૪૧ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાબર આઝમ અને શોએબ મલિકની ભાગીદારીની મદદથી પાકે. ૨૭ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૧૯ રન બનાવી લીધા હતા. ત્યાર બાદ વરસાદને કારણે રમત રોકવાની ફરજ પડી હતી. જોકે ત્યાર બાદ વધુ વરસાદને કારણે અમ્પાયરોએ મેચ પડતી મૂકવાનો નિર્ણય કર્યો હતો. ડક્વર્થ લુઇસ નિયમ પ્રમાણે પાકિસ્તાનને મેચ જીતવા માટે ૨૭ ઓવરમાં ૧૦૧ રન બનાવવા હતા, પરંતુ તેઓએ ૧૧૯ રન બનાવતા પાક.નો ૧૯ રને વિજય થયો હતો.

વન ડે રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા પહેલા સ્થાને અને પાકિસ્તાન આઠમા સ્થાને છે. આથી આને અપસેટ કહી શકાય. ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રૂપ-બીમાં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન પોતાની બેમાંથી એક એક મેચ જીતી ચૂક્યા છે. ભારતે પોતાનો પાકિસ્તાન સામેનો મુકાબલો જીતી લીધો છે અને શ્રીલંકા પોતાની એક મેચ હારી ચૂકી છે. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ઓવલ ખાતે મેચ રમાશે.
http://sambhaavnews.com/

You might also like