ઇમરાન સત્તા પર આવવાથી પાકિસ્તાન હવે વધુ ખતરનાક બની જશેઃ બ્રુસ રીડેલ

વોશિંગ્ટન: દ‌િક્ષણ એશિયા બાબતોના નિષ્ણાત અને અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએના પૂર્વ એનાલિસ્ટે પાકિસ્તાનની ચૂંટણીનાં પરિણામોને લઇ સમગ્ર વિશ્વ સમુદાયને ચેતવણી આપી છે. બ્રુસ રીડેલે એવી ચેતવણી આપી છે કે દુનિયાનો સૌથી ખતરનાક દેશ પાકિસ્તાન હવે વધુ ખતરનાક થઇ જશે, કારણ કે પૂર્વ ક્રિકેટર ઇમરાનખાન સત્તા પર આવી ગયો છે. બીજી બાજુ ટ્રમ્પ પ્રશાસને પણ જણાવ્યું છે કે તેઓ પાકિસ્તાનની નવી સરકાર સાથે કામ કરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે.

ઇમરાનખાનને સામાન્યતઃ પાકિસ્તાન સેનાની કઠપૂતળી તરીકે જોવામાં આવી રહ્યો છે. સીઆઇએના પૂર્વ એનાલિસ્ટ બ્રુસ રીડેલના જણાવ્યા અનુસાર ઇમરાન એવા શખ્સ છે, જે પાકિસ્તાનની સમસ્યાઓ માટે અમેરિકાને દોષી ઠરાવે છે. બ્રુસ રીડેલે ઇમરાનને દ‌િક્ષણ એશિયાના સૌથી મોટા અમેરિકા વિરોધી નેતા ગણાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ઇમરાનખાન પાકિસ્તાની સેનાના સૌથી વધુુ સમર્થક છે અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇના આશ્રય હેઠળ ઇસ્લામી મૂવમેન્ટ સાથે મળીને કામ કરી રહ્યા છે. તેઓ અવારનવાર અમેરિકાની આલોચના કરે છે.

બ્રુસ રીડેલે એક આર્ટિકલમાં લખ્યું છે કે પાકિસ્તાની સેના ઇમરાનખાનને સમર્થન આપી રહી છે તેવા પાકા પુરાવા છે. ઇમરાનખાન સત્તા પર આવે એટલા માટે સેના તેમના હરીફોને ડરાવતી અને ધમકાવતી હતી અને પ્રેસનો અવાજ કચડી નાખતી હતી, જોકે બ્રુસ રીડેલે જણાવ્યું છે કે પાકિસ્તાની સેના અને ઇમરાનખાનનું ગઠબંધન બહુ લાંબો સમય નહીં ટકે.

અમેરિકાના વિદેશ વિભાગે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનની પ્રક્રિયાનું સાવધાની સાથે સ્વાગત કર્યું છે. વિદેશ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા દ‌િક્ષણ એશિયાની સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયીત્વના લક્ષ્ય હેઠળ પાકિસ્તાનની નવી સરકાર સાથે મળીને કામ કરવા તૈયાર છે.

You might also like