હાથગોળો નહીં ફાટતાં આતંકીએ દરગાહમાં આત્મઘાતી બ્લાસ્ટ કર્યો

કરાચી: લાલ સાંઈ, ઝુલેલાલ, મસ્ત કલંદરના નામોથી મશહુર સુફી સંત શાહબાઝ કલંદરની દરગાહ પર ખોફનાક આતંકી સંગઠન આઈએસઆઈએસએ ગુરુવારે આતંકી હુમલો કર્યો હતો. જેમાં ૧૦૦નાં મોત થયાં હતાં અને ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર આ હુમલામાં બે હુમલાખોર સામેલ હતા. લોકોનું કહેવું છે કે એક આતંકીએ પહેલાં હાથગોળો (હેન્ડ ગ્રેનેડ) ફેંક્યો હતો. જ્યારે હાથગોળો ફાટ્યો નહીં ત્યારે હુમલાખોરે સ્વયંને ફૂંકી મારીને બ્લાસ્ટ કર્યો હતો.

પાકિસ્તાની અખબર ‘ધ ડોન’ના જણાવ્યા અનુસાર આ હુમલો મહિલાઓ માટે અનામત વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાનમાં સૂફી દરગાહો પર તહરિક-એ-તાલિબાન હુમલા અવારનવાર કરે છે. ૨૦૦૫ બાદ દેશભરની ૨૫ દરગાહ પર આતંકી હુમલા થઈ ચૂક્યા છે. પોલીસે ગઈ કાલે કલંદર દરગાહ પર થયેલા હુમલાખોરની માહિતી આપનાર માટે રૂ. ૧૦ લાખના ઈનામની પણ જાહેરાત કરી છે.

હૈદરાબાદના કમિશનર કાઝી શાહિદે જણાવ્યું હતું કે કલંદરની દરગાહ હૈદરાબાદથી ૧૩૦ કિ.મી.દૂર છે. ત્યાં એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમની સાથે મદદ માટે વધુ ગાડીઓ હૈદરાબાદ, જમશોરો, મોરો, દાદુ અને નવાબશાહ મોકલવામાં આવી છે. આ વિસ્તારોની હોસ્પિટલમાં ઈમર્જન્સી પણ જાહેર કરવામાં આવી છે.

ગઈ કાલે આ બ્લાસ્ટ શહવાન શરીફ વિસ્તારમાં થયો હતો, જે કરાચીથી ૨૦૦ કિ.મી. દૂર આવેલ છે. વરિષ્ઠ પોલીસ અધિકારી તારિક વિલાયતે જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલો અનુસાર આ આત્મઘાતી હુમલો હતો. આ હુમલામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મૃત્યુઆંક વધવાની દહેશત છે.
http://sambhaavnews.com/

You might also like