પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવાની વાત પાકિસ્તાને નકારી

(એજન્સી) ઈસ્લામાબાદ: પાકિસ્તાને પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાની વાત છુપાવવાની ફરી એક વખત નિષ્ફળ કોશિશ કરી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ વિદેશી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, પુલવામા આતંકી હુમલા માટે જૈશ જવાબદાર નથી. તેમણે દાવો કર્યો કે, જૈશ દ્વારા આ હુમલાની જવાબદારી લેવાની જે વાત વારંવાર કહેવામાં આવે છે તેમાં પણ ઘણી અવઢવ છે. જૈશે પુલવામા હુમલાની જવાબદારી લીધી ન હોવાનો દાવો પણ કુરૈશીએ કર્યો હતો.

કુરૈશીએ જણાવ્યું હતું કે, જૈશે આ હુમલાની જવાબદારી સ્વીકારી જ નથી. આમાં એક ભ્રમની સ્થિતિ છે. ભ્રમ એ છે કે જૈશની નેતાગીરીએ પુલવામા હુમલા અંગે કોઈ જવાબદારી લીધી જ નથી કે કંઈ જણાવ્યું પણ નથી. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને બચાવવાની કુરૈશીની આ કોશિશની દુનિયાભરમાં આકરી ટીકા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા અને આ હુમલાના તુરંત બાદ જૈશે એક વીડિયો જારી કરીને તેની જવાબદારી સ્વીકારી હતી.

હજુ એક દિવસ પહેલા જ એટલે કે શુક્રવારે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મદમૂદ કુરૈશીએ કબૂલાત કરી હતી કે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે અને ખુબ બીમાર છે. તેમણે ફરી એક વખત પુરાવાનો રાગ આલાપતા કહ્યું હતું કે, જો ભારત પાસે મસૂદ અઝહર અને જૈશ વિરુદ્ધ પુરતા પુરાવા હોય તો તે પાકિસ્તાનને સોંપે. ભારતના પુરાવા જો પાકિસ્તાનની કોર્ટ માન્ય રાખે તો જ પાકિસ્તાન મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરશે.

કુરૈશીએ મુલાકાતમાં જણાવ્યું હતું કે, પુલવામા હુમલાની જવાબદારી લેવા અંગે અનેક અવઢવો પ્રવર્તી રહી છે. અમારા (પાકિસ્તાનના) કેટલાક લોકોએ જૈશના ટોચના લીડર સાથે વાત કરી હતી. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આ હુમલો જૈશે નથી કર્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે કુરૈશીએ કહ્યું કે, આજના સમયમાં યુદ્ધ એ કોઈ સમસ્યાનું સમાધાન હોઈ શકે નહીં. એકબીજા ઉપર મિસાઈલ હુમલા કરીને સમસ્યા હલ નહીં કરી શકાય. યુદ્ધ કરવું એ આત્મઘાતી પગલું પુરવાર થઈ શકે છે.

પાક.ના વિદેશ પ્રધાને ભારતીય વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક પર પણ સવાલો ઉઠાવ્યા હતા. અમને હજુ સુધી એરસ્ટ્રાઈકના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે બહાવલપુર સ્થિત મદરેસાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ભારત અને દુનિયાના કેટલાક દેશો આ મદરેસાને આતંકી ટ્રેનિંગ કેમ્પનું નામ આપે છે.

You might also like