ઈસ્લામાબાદ: પાકિસ્તાને આખરે એ જ કર્યું જે તે વર્ષોથી કરતું આવ્યું છે. ગઈ કાલે નવાઝ શરીફે જણાવ્યું હતું કે ભારતે આપેલા પુરાવાને તેઓ ગુમ કરી શક્યા હોત અને આજે સવારે મીડિયા રિપોર્ટમાં નવાઝ શરીફે એવું જણાવ્યું હતું કે પાકિસ્તાન પઠાણકોટ હુમલાના માસ્ટર માઈન્ડ મૌલાના મસૂદ અઝહરની પૂછપરછ કરવા માટે ભારતને મંજૂરી આપશે નહીં.
પાકિસ્તાની અખબાર ‘ધ નેશન’ના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે ભારતે પાકિસ્તાન સમક્ષ મૌલાના મસૂદ અઝહરની સંયુક્ત તપાસ માટે માંગણી કરી હતી, પરંતુ પાકિસ્તાને ભારતની આ માગણી ફગાવી દીધી છે. પાકિસ્તાની સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતે મસૂદ અઝહર અને તેના ભાઈની પૂછપરછ કરવાની મંજૂરી માગી હતી, પરંતુ અમે રાજકીય રીતે તેનો ઈન્કાર કરી દીધો છે. પાકિસ્તાને ભારતને એવી ખાતરી આપી હતી કે પાકિસ્તાન મસૂદ અઝહર અને તેના ભાઈની ગંભીરતાથી પૂછપરછ કરી રહ્યું છે અને પઠાણકોટ હુમલાનું સત્ય બહાર લાવશે.
ભારતે પાકિસ્તાન પર મસૂદ અઝહર અને હાફીઝ સઈદ ભારતને હવાલે કરી દેવા દબાણ લાવ્યું છે. અમે આ માટે અનેક વખત ઈન્કાર કરી ચૂક્યા છીએ. હવે ભારત અઝહરની પણ પૂછપરછ કરવા માંગે છે, પરંતુ અમે તેની મંજૂરી આપી શકીએ નહીં એવું પાકિસ્તાન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પઠાણકોટ આતંકી હુમલાને લઇને પાકિસ્તાન ગંભીર દેખાઇ રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે જણાવ્યું હતું કે ભારતે પઠાણકોટ આતંકી હુમલાના સંદર્ભમાં નવા પુરાવા આપ્યા છે જેના પર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. અમે હુમલાના કાવતરાખોરોને અદાલતમાં રજૂ કરવા માટે હકીકતોની સત્યતા ચકાસી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત તરફથી પઠાણકોટ હુમલાના નવા સુરાગ મળ્યા છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ. અમે આ પુરાવા છુપાવી શકયા હોત અથવા તેને ભૂલી ગયા હોત, પરંતુ તેના બદલે અમે કહ્યું છે કે અમને ભારત તરફથી પુરાવા મળ્યા છે.
વડા પ્રધાન નવાઝ શરીફે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ત્રાસવાદીઓ વિરુદ્ધ પોતાની કાર્યવાહી ચાલુ જ રાખશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન અને અમેરિકાની એક સમિતિ અફઘાનિસ્તાનમાં શાંતિ માટે કામ કરી રહી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પોતાની જમીનનો ત્રાસવાદી પ્રવૃત્તિઓનો ઉપયોગ નહીં કરી દેવા અંગે પણ સમજૂતી કરી છે.