પાકિસ્તાન સાથેની તંગદિલીથી રો-કોટન નિકાસકારો મુશ્કેલીમાં

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગદિલીભર્યા બન્યા છે, જેને કારણે નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રાજ્યના રો-કોટનના નિકાસકારોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક રો-કોટનના વેપારીઓના જણાવ્યા પ્રમાણે દેશમાંથી એક અંદાજ મુજબ ૩૦૦ કરોડ કરતાં પણ વધુ રો-કોટનની નિકાસ થઇ હતી, જેમાંથી પાકિસ્તાનમાં ૨૦૦ કરોડ કરતાં પણ વધુની નિકાસ રાજ્યના નિકાસકારો દ્વારા કરાઇ હતી. ચાલુ વર્ષે પણ પાકિસ્તાન તરફથી આયાતકારોની મોટા પ્રમાણમાં ઇન્ક્વાયરી થઇ રહી છે એટલું જ નહીં સ્થાનિક નિકાસકારો દ્વારા પણ રો-કોટનની નિકાસ ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં થાય તેવી આશા માંડીને બેઠા હતા, પરંતુ સિઝનની નવી આવક આવે તે પૂર્વે જ પાકિસ્તાન સાથેના તંગદિલીભર્યા સંબંધને કારણે રો-કોટનના નિકાસકારો આ વખતે નિકાસ થશે કે નહીં તે અંગે અવઢવભરી સ્થિતિમાં જોવા મળે છે.

જાણકારોના કહેવા પ્રમાણે દેશમાં રો-કોટનના પૂરતા પુરવઠાના કારણે નિકાસ પર ડ્યૂટી નથી. એટલું જ નહીં પાકિસ્તાનને મોસ્ટ ફેવર નેશન તરીકેનો દરજ્જો આપવાના કારણે નિકાસકારોમાં સરળતા જોવા મળે છે અને તેને કારણે રો-કોટનની નિકાસ ઊંચી થઇ રહી છે. દરમિયાન મુંબઇના કેટલાક કારોબારીઓ દ્વારા રો-કોટનની પાકિસ્તાનમાં નિકાસ બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાના બહાર આવેલા સમાચારના કારણે સ્થાનિક કારોબારીઓ ચિંતામાં જોવા મળ્યા છે.  આ અંગે મસ્કતી માર્કેટ મહાજનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગત જણાવે છે કે જો પાકિસ્તાનમાં રો-કોટનની નિકાસ અટકે તો સ્થાનિક કારોબારીઓને ભારે નુકસાન થઇ શકે છે.

You might also like