ભારત પાકિસ્તાનને પઠાણકોટ એરબેઝમાં તપાસ કરવાની મંજૂરી આપે તેવી શક્યતા

નવી દિલ્હી: પઠાણકોટ એરબેઝ પરના આતંકવાદી હુમલાની તપાસ માટે આગામી 27 માર્ચે ભારત આવતી પાકિસ્તાનની સંયુકત તપાસ ટીમને ભારત સરકાર પઠાણકોટ એરબેઝની અંદર જઈને તપાસ કરવાની મંજૂરી આપે તેવી સંભાવના છે. આ દરમિયાન તપાસ અંગે એનઆઈએ સાથે ચર્ચા કરવામાં આવશે.

એક અહેવાલ અનુસાર પાકિસ્તાનની તપાસ ટીમ એ પ્રકારે શેડ્યૂલ નકકી કરશે કે જેનાથી તે ભારતની એનઆઈએ સાથેની તપાસમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી અંગે વાતચીત કરી શકે. એનઆઈએ અને પાકિસ્તાનની ટીમ વચ્ચે દિલ્હીમાં મુલાકાત થશે. જ્યારે પઠાણકોટમાં તપાસ દરમિયાન પાકિસ્તાનની ટીમ સાથે એનઆઈએના અધિકારી પણ હાજર રહેશે. જોકે એનઆઈએના વડા શરદકુમારે આ અંગે સ્પષ્ટતા કરી નથી. તેમણે જણાવ્યું કે આ મુદે સરકારે નિર્ણય લેવાનો છે.

આ મામલે એનઆઈએના અધિકારીઓએ કેટલાક સવાલો તૈયાર કર્યા છે. તે સવાલો પાકિસ્તાનની સંયુકત તપાસ ટીમ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમાં પૂછવામાં આવશે કે પાકિસ્તાને તેના દેશમાં આ મુદે કેટલા લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે. તેમજ જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેની માહિતી માગવામાં આવશે.

બીજી તરફ પાકિસ્તાનની તપાસ ટીમ પણ એનઆઈએને અત્યાર સુધીની તપાસ અંગે કેટલાક સવાલો કરશે. આવી કવાયતનો મુખ્ય હેતુ બંને દેશની ટીમ વચ્ચેની ગેરસમજ દૂર કરવાનો છે. જોકે  પાક.ની એનએસએ ટીમ અજિત ડોભાલની પૂછપરછ કરશે કે કેમ તે અંગે પણ સવાલ છે. કારણ પાકિસ્તાનમાં પઠાણકોટ હુમલા બાબતો જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં ફરિયાદી તરીકે ડોભાલનું નામ દાખલ થયું છે. જોકે આ મુદે ભારત સરકારે કંઈ જણાવ્યું નથી.

ગત 17 માર્ચે નવાઝ શરીફના વિદેશ બાબતોના એડ્વાઈઝર સરતાજ અઝિઝ નેપાળમાં સુષમા સ્વરાજને મળ્યા હતા. મુલાકાત બાદ સુષમાએ જણાવ્યું હતું કે પઠાણકોટ હુમલાની તપાસ માટે પાકિસ્તાનની તપાસ ટીમ 27 માર્ચે ભારત આવશે. જ્યારે સરતાજ અઝિઝે જણાવ્યું હતું કે 31 માર્ચે વોશિંગ્ટનમાં નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થાય તેવી શક્યતા છે.

You might also like