૪૫૦ પાકિસ્તાની ખેલાડી ભારત આવશેઃ મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ આસામની રાજધાની ગોહાટીમાં તા. ૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ ૧૨મી દક્ષિણ એશિયન ગેમ્સનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. રમત સચિવ રાજીવ યાદવે કહ્યું, ”વડા પ્રધાન આ રમતોત્સવનું ઉદ્ઘાટન કરશે. સમારોહમાં દક્ષિણ એશિયાઈ ક્ષેત્રના સહયોગ સંગઠન (સાર્ક)ના આઠ સભ્ય દેશોના પ્રધાનો અને રાજકારણીઓ હાજર રહેશે.”

યાદવે વધુમાં જણાવ્યું કે, ”૪૫૦ એથ્લીટ્સ અને અધિકારીઓનું પાકિસ્તાની દળ વિવિધ ટુકડીઓના રૂપમાં ભારત આવશે. પહેલા પાકિસ્તાની દળની સાથે ઇસ્લામાબાદથી ચાર્ટર વિમાનથી સીધા ગોહાટી આવવા અંગે વિચારણા ચાલી રહી હતી, પરંતુ હવે દળ ઘણી ટુકડીઓમાં વહેંચાઈને ભારત પહોંચશે. હવાઈ માર્ગ દ્વારા પાકિસ્તાની નાગરિકોને દિલ્હી અને મુંબઈના માર્ગેથી જ ભારતમાં પ્રવેશવાની મંજૂરી અપાશે. દિલ્હી અને મુંબઈ સિવાય કોઈ ત્રીજા રસ્તેથી ભારતમાં પ્રવેશ મેળવવા માટે પાકિસ્તાની નાગરિકને ભારત સરકારની મંજૂરી લેવી પડે છે.

આઠ દેશ, ૨૫૦૦ ખેલાડી
કોલકાતા (૧૯૮૭) અને ચેન્નઈ (૧૯૯૫) બાદ ભારત ત્રીજી વાર આ રમતોત્સવની યજમાની કરી રહ્યું છે, જેમાં આઠ દેશના લગભગ ૨૫૦૦ ખેલાડી ભાગ લેશે. આ ગેમ્સમાં ૨૮૮ સ્પર્ધા યોજાશે, જેમાં ૨૨૮ ગોલ્ડ મેડલ, એટલા જ રજત અને ૩૦૮ બ્રોન્ઝ મેડલ દાવ પર લાગશે.

આસામ અને મેઘાલયને યજમાની
તા. પાંચથી ૧૬ ફેબ્રુઆરી સુધી યોજાનારા આ રમતોત્સવની યજમાની આસામ અને મેઘાલય મળીને કરશે. ૧૬ રમતોની યજમાની ગોહાટી અને મહિલા ફૂટબોલ સહિત છ રમતોની યજમાની શિલોંગને સોંપવામાં આવી છે.

૫૦૦ ભારતીય ખેલાડી
સૌથી વધુ ભારતના ૫૦૦ ખેલાડી ભાગ લેશે, જ્યારે શ્રીલંકા અને પાકિસ્તાન પણ ૪૦૦થી વધુ ખેલાડી મોકલી રહ્યા છે.
એથ્લેટિક્સ ટીમનું નેતૃત્વ ઇન્દ્ર‌િજત અને પુર્વમ્મા કરશે. એશિયન ચેમ્પિયન શોટપુટર ઇન્દ્ર‌િજતસિંહ અને સ્ટાર એથ્લીટ એમ. એર. પુર્વમ્મા આ રમતોત્સવમાં ૬૮ સભ્યોની ભારતીય એથ્લેટિક્સ ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય એથ્લેટિક્સ મહાસંઘે ટીમની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઓલિમ્પિયન શોટપુટર ઓમપ્રકાશસિંહ કરહાનાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

You might also like