ભારત સરકાર પાસેથી ‘સેફ્ટી સર્ટિફિકેટ’ની પાક.ની જીદ

લાહોરઃ વર્લ્ડકપ ટી-૨૦ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે. ભારત તરફથી સુરક્ષા સંંધી આશ્વાસન નહીં મળવાની સ્થિતિમાં પાક. ટીમને પીસીબીની લીલી ઝંડી હજુ મળી નથી. એવામાં પાક. ક્રિકેટ ટીમ બોર્ડના આદેશની રાહ જોતી લાહોરમાં ઇંતેજાર કરી રહી છે. પાકિસ્તાન સરકારે ગઈ કાલે ભારત સરકાર દ્વારા સુરક્ષાને લઈને સાર્વજનિક આશ્વાસન ના મળે ત્યાં સુધી પોતાની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમને ટી-૨૦ વિશ્વ કપ માટે ભારત ના મોકલવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાનના ગૃહપ્રધાન ચૌધરી નિસારે ગઈ કાલે પત્રકારોને જણાવ્યું કે, ”આઇસીસી અને બીસીસીઆઇ બંને ઘણી કોશિશ કરી રહ્યા છે, પરંતુ ભારત સરકાર દ્વારા સુરક્ષાનું આશ્વાસન સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. હજુ સુધી તેમના તરફથી અમને આવો કોઈ સંદેશ મળ્યો નથી. જ્યાં સુધી અમને આવું આશ્વાસન નહીં મળે ત્યાં સુધી ટીમ ભારત નહીં આવે.”

પાકિસ્તાનના એક અખબારે પીસીબીના એક અધિકારીને ટાંકતાં કહ્યું હતું કે પાકિસ્તાની ટીમ આજે શુક્રવારે દુબઈ જવા માટે રવાના થશે, જ્યાંથી તે કોલકાતા જઈ શકે છે. જો બધી મડાગાંઠ ઉકેલાઈ જશે તો ૧૬ માર્ચે પાકિસ્તાન ક્વોલિફાયર ટીમ સામે કોલકાતામાં મેચ રમી ટી ટ્વેન્ટી વર્લ્ડકપના પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.
ભારત-પાક. ટી-૨૦ મેચ ધર્મશાલાથી કોલકાતા શિફ્ટ કરવા છતાં પાકિસ્તાને વર્લ્ડકપમાં શામેલ થવા માટે શરત મૂકી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે ટીમ મોકલવા માટે તેને ભારત સરકાર પાસેથી લેખિતમાં સિક્યોરિટીની ગેરંટી મળે તો જ તેઓ ટીમને મોકલી શકે છે.

પાક. ની સુરક્ષા ટીમ ઇચ્છતી હતી કે ભારત સરકાર સિક્યોરિટીની ગેરંટી વિશે પબ્લિક સ્ટેટમેન્ટ જારી કરે અથવા લેખિત ગેરંટી આપે. ઉલ્લેખનીય છે કે બુધવારે આઇસીસીએ સ્પષ્ટ કરી દીધું હતું કે પહેલા ૧૯ માર્ચે ધર્મશાલામાં રમાનાર મેચ હવે કોલકાતામાં રમાશે. પાકિસ્તાને પહેલા મેચને ધર્મશાલાથી અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની માગ કરી હતી, પરંતુ હવે તે નવી શરત સામે મૂકી રહ્યું છે. એક તરફ શહીદોના પરિવાર, કેટલાક સંગઠનો પણ ભારત-પાક. મેચનો વિરોધ કરી રહ્યા હતા.

બીજી બાજુ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ગઈ કાલે નવી દિલ્હીમાં કહ્યું હતું કે, ”તમે જાણો છો કે તાજેતરમાં જ દક્ષિણ એશિયન રમતોત્સવમાં પાકિસ્તાન સહિત ઘણા એશિયન દેશોની ટીમોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આઇસીસી ટી-૨૦ વર્લ્ડકપનું આયોજન પણ સંપૂર્ણપણે સફળ રહેશે.”

You might also like