ભારત-પાક. સરહદે યુદ્ધ જેવી સ્થિતિઃ આઠ પાકિસ્તાની રેન્જર ઠાર

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ભારત-પાક. ઇન્ટરનેશનલ સરહદે અને વાસ્તવિક અંકુશરેખા (એલઓસી) પર યુદ્ધ જેવી સ્ફોટક સ્થિતિ પ્રવર્તે છે. ઇન્ટરનેશનલ બોર્ડર પર યુદ્ધવિરામનો ભંગ કરીને વારંવાર ગોળીબાર અને મોર્ટારમારો કરી રહેલા પાકિસ્તાની દળોને ભારતના બોર્ડર સિકયોરિટી ફોર્સ (બીએસએફ)એ આપેલા વળતા જડબાતોડ જવાબમાં પાકિસ્તાનની ૩પ ચોકીને નિશાન બનાવી હતી અને ભારતે કરેલા વળતા હુમલામાં પાકિસ્તાની રેન્જર્સના આઠ સૈનિકને ઢાળી દીધા હતા અને સિયાલકોટમાં ભારે તબાહી મચાવી હતી. આ ઉપરાંત ભારતીય દળોએ પાકિસ્તાનની કેટલીક ચોકીને પણ તબાહ કરી નાખી છે.

બીજી બાજુુ પાકિસ્તાની સૈનિકોએ ભારતના રહેણાક વિસ્તારો અને સીમા ચોકીઓને નિશાન બનાવતાં બે નાગરિકનાં મોત થયાં છે અને અન્ય ૩પ ઘાયલ થયા છે. શુક્રવારે રાત્રે પાકિસ્તાને અરનિયા, સુચેતગઢ, આરએસ પુરા, પરગવાલ, કાનાચક અને અખનૂરના ઘરખાલ વિસ્તારમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.

જમ્મુના કાનાચક વિસ્તારમાં એક નાગરિક જખમી થયાના સમાચાર છે. વળતી કાર્યવાહી ભારતીય સેનાએ સાંબા, આરએસ પુરા અને હીરાનગર સેક્ટર પર પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરહદ પાર શક્કરગઢ અને સિયાલકોટ વિસ્તારમાં આઠ પાકિસ્તાની નાગરિક અને રેન્જર માર્યા ગયા છે. પાકિસ્તાને વરસાવેલા મોર્ટાર અને ગોળાઓમાં અત્યાર સુધીમાં બે નાગરિકનાં મોત થયાં છે, સાથે- સાથે ત્રણ દિવસમાં ત્રણ ભારતીય જવાન પણ શહીદ થયા છે.

પાકિસ્તાનની નાપાક હરકતને ધ્યાનમાં લઇ ઇન્ટરનેશનલ બોર્ડર પર પાંચ કિલોમીટરના દાયરામાં તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. એલઓસી પર તહેનાત મુલ્કી અધિકારીઓને સતર્ક રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

આર્મીના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની દળોએ ગઇ કાલ સાંજે ૬-૩૦ કલાકથી અંકુશરેખા પર સુંદરબની સેક્ટરમાં કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર નાનાં શસ્ત્ર, સ્વયં સંચાલિત હથિયાર અને મોર્ટારથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેનો ભારતીય આર્મીએ જડબેસલાક જવાબ આપ્યો હતો.

પાકિસ્તાને પ૦થી વધુ ભારતીય ચોકીઓ અને ૧૦૦થી વધુ ગાળો પર મોર્ટાર ઝીંકયા હતા. આંતરરાષ્ટ્રીય સરહદે પુંચમાંં અંકુશરેખા સુધી ૧૮ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ભારે ગોળીબારથી સરહદે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે. સરહદ પરનાં ૧પ જેટલાંં ગામને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. ગામના લોકો પરિવાર સાથે રાહત શિબિર અથવા સગાં-સંબંધીઓના ઘરે સ્થળાંતર કરી રહ્યા છે.

You might also like