કરતારપુર બાદ ખૂલશે શારદાપીઠનાં દ્વારઃ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે આપ્યા સંકેત

(એજન્સી) નવી દિલ્હીઃ કરતારપુર બાદ પાકિસ્તાન શારદાપીઠને પણ દુનિયા માટે ખોલવાનો નિર્ણય લઈ શકે છે. શારદાપીઠ ગુલામ પાકિસ્તાનમાં છે અને તે વર્ષ ૧૯૪૭-૪૮થી સ્થાનિક પ્રશાસને બહારના તીર્થયાત્રીઓ માટે બંધ કર્યું છે. સાત દાયકાઓમાં આ પીઠમાં માત્ર ખંડેર વધ્યાં છે.

ભારત સરકાર તરફથી પાકિસ્તાન પાસે સતત અહીં ભારતીય તીર્થયાત્રીઓને જવા દેવાની માગણી કરાઈ છે. હવે પાકિસ્તાન વિદેશ મંત્રાલય આ શારદા મંદિર અને અહીંની આસપાસની જગ્યાઓ વિશે જોયા-જાણ્યા બાદ પીએમ ઈમરાનખાને જણાવ્યું હતું કે આગળ જતાં તેને અન્ય દેશોના તીર્થયાત્રીઓ માટે ખોલી શકાય છે.

એવું માનવામાં આવે છે કે ઈમરાનખાન તરફથી જે રીતે કરતારપુર કોરિડોરની જાહેરાત કરાઈ તે રીતે શારદાપીઠ માટે કોઈ વ્યવસ્થા કરવાની જાહેરાત કરાશે. શારદાપીઠ કાશ્મીરી પંડિતો માટે અત્યંત પાવન તીર્થ સ્થળ હોવાની સાથે હિન્દુઓ માટે ઘણું મહત્ત્વ પણ રાખે છે. તે ધાર્મિક રીતરિવાજો માટે મહત્ત્વનું સ્થળ હતું, પરંતુ છઠ્ઠી સદીથી લઈ ૧૨મી સદી દરમિયાન અહીં એક વિશાળ શિક્ષણ કેન્દ્ર પણ હતું.

કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે કે અહીં મૂળ મંદિરનું નિર્માણ કુશાન રાજ દરમિયાન કરાયું હતું, પરંતુ હાલના મંદિર અને શિક્ષણ કેન્દ્રની સ્થાપના લલિત આદિત્યના સમયે કરાઈ હતી. આખા દક્ષિણ એશિયામાં આ મંદિરનું ઘણું મહત્ત્વ હતું અને બંગાળથી પણ વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ લેવા આવતા હતા. આજે પણ દક્ષિણ ભારતના સારશ્વત બ્રાહ્મણોમાં શિક્ષણ શરૂ કરતાં પહેલાં સાત પગલાં કાશ્મીર તરફ ચાલવાની પરંપરા છે, જેને શારદાપીઠ સાથે જોડીને જોવામાં આવે છે.

૧૪મી સદી બાદ બહારના લોકોએ આ મંદિર પર હુમલો કર્યો હતો. બાદમાં ડોગરા રાજાએ ૧૯મી સદીમાં તેનું નવા પ્રકારે નિર્માણ કરાવ્યું હતું. વર્ષ ૨૦૦૫માં કાશ્મીરમાં આવેલા ભયંકર પૂરથી ભારે નુકસાન પહોંચ્યું હતું. વર્ષ ૧૯૪૮ બાદ પાકિસ્તાને કોઈ પણ ભારતીય હિન્દુને આ મંદિરમાં જવાની પરવાનગી આપી નથી.

You might also like