ઓલિમ્પિકમાં પાકિસ્તાનની અધોગતિઃ ખેલાડી કરતાં અધિકારીની સંખ્યા વધારે

કરાચીઃ રિયો ઓલિમ્પિક રમતોત્સવ દરમિયાન પાકિસ્તાનની રમતની અધોગતિ અને પતનની કહાણી સ્પષ્ટપણે જોવા મળશે, કારણ કે પાકિસ્તાની દળમાં ખેલાડીઓ કરતા વધુ અધિકારી સામેલ થવાના છે.

પાકિસ્તાનની હોકી ટીમ રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી હતી અને આ પરિસ્થિતિમાં પાકિસ્તાની દળમાં સાત ખેલાડી અને ૧૧ અધિકારી સામેલ થશે. ખેલાડીઓમાં સ્વિમર લિયાના ખાન અને હેરિસ બેન્ડી પણ સામેલ છે, જે વિદેશમાં સ્થાયી થયા છે. જુડોકા શાહ હુસેન છે, જે ટોકિયોમાં રહે છે. આ ઉપરાંત શૂટર ગુલામ મુસ્તફા અને મિલાન સોહેલ તથા બે દોડવીર છે.

પાકિસ્તાનના બધા ખેલાડીઓને વાઇલ્ડ દ્વારા રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક મળી છે, કારણ કે દેશનો કોઈ પણ ખેલાડી વિભિન્ન સ્પર્ધાઓમાં ક્વોલિફાય કરી શક્યો નહોતો. એટલે સુધી કે પાકિસ્તાની બોક્સર પણ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી શક્યો નથી, જ્યારે હોકીને બાદ કરતા પાકિસ્તાને ઓલિમ્પિકમાં જે બે અન્ય મેડલ જીત્યા છે તેમાંથી એક મેડલ બોક્સિંગમાં મળ્યો છે. હુસેન શાહે ૧૯૮૮માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જુડોહા શાહ હુસેન તેનો જ પુત્ર છે.

પાકિસ્તાન ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ આરિફ હસને રમતની દુર્દશા માટે પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડને જવાબદાર ઠેરવ્યું છે. હસન ખાસ કરીને હોકી ટીમ ક્વોલિફાય ન કરી શકવાથી નિરાશ છે. તેમણે કહ્યું, ”હોકી અમારી રાષ્ટ્રીય રમત છે અને ઓલિમ્પિકમાં આ રમતમાં અમારી મેડલ જીતવાની હંમેશાં આશા રહે છે, પરંતુ આ વખતે અમે આવી આશા પણ રાખી શકીએ એમ નથી.”

You might also like