પાકિસ્તાન ભારત પર હવે અણુ યુદ્ધ છેડી શકે છેઃ અમેરિકન થિન્ક ટેન્ક

વોશિંગ્ટન: અમેરિકન થિન્ક ટેન્કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જણાવ્યું છે કે પાકિસ્તાનને અાતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાનો વિકલ્પ ખુલ્લો રાખવો જોઈઅે. વ્હાઈટ હાઉસને સુપરત કરેલા એક રિપોર્ટમાં એવી ચેતવણી અાપવામાં અાવી છે કે જો પાકિસ્તાન તરફથી ભારત પર હવે કોઈ અાતંકી હુમલો થશે તો તે યુદ્ધમાં ફેરવાઈ શકે છે અને એટલું જ નહીં પાકિસ્તાન ભારત સામે અણુયુદ્ધ છેડી શકે છે. કારણ કે બંને રાષ્ટ્રો પાસે અણુશસ્ત્રો છે.

અમેરિકામાં દક્ષિણ એશિયા બાબતોના એક વિશેષ સમૂહે ટ્રમ્પ સરકારને અપીલ કરતાં જણાવ્યું છે કે અમેરિકા સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન સામે કડક પગલાં ભરે. આ સમૂહમાં વિવિધ વિચારસરણી ધરાવતા લોકો સામેલ છે.

જો પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાન સામે આતંકવાદનો ઉપયોગ કરવાનું બંધ ન કરે તો અમેરિકાએ તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આ સમૂહ દ્વારા કરવામાં આવેલી માગણીમાં આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશનો દરજ્જો આપવાની વાત પણ કરવામાં આવી છે તેમજ પાકિસ્તાની સેના અને ગુપ્તચર વિભાગ સાથે સંકળાયેલા લોકો અને અધિકારીઓને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવાની પણ સલાહ આપવામાં આ‍વી છે.

કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરતા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દે અમેરિકાને દરમિયાનગીરી કરવા અંગે થતી અપીલ અંગે અમેરિકાએ ધ્યાન આપવું ન જોઈએ. આ અહેવાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા તણાવ અંગે પાકિસ્તાનને જ દોષિત માનવામાં આવી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં સાત મુસ્લિમ દેશના નાગરિકોને અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો તેમાં ભલે પાકિસ્તાન બાકાત રહી ગયું હોય પણ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ યાદીમાં પાકિસ્તાનનું નામ પણ જોડાઈ શકે તેમ છે. અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકાર દ્વારા તેની ધરતી પર સક્રિય આતંકવાદી જૂથોને સમર્થન આપવા અંગે અમેરિકાએ પાકિસ્તાન સામે કોઈ કાર્યવાહી કરી નથી.

આ આતંકી જૂથોમાં તેનાં જૂથ પણ સામેલ છે કે જે ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાને અંજામ આપે છે, જોકે પાકિસ્તાની અધિકારીઓએ અંગત રીતે એવી પણ વાત કરી છે કે તેની સેના જૈશ-અે-મહંમદ અને લશ્કર-એ-તોઇબા જેવા સંગઠનને પડકાર ફેંકી નથી શકતી તેમજ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી તંગદિલીનો સામનો કરવા તૈયાર રહેવાની જરૂર છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો અમેરિકા તેમાં કેવી દરમિયાનગીરી કરી શકે છે તે અંગે પણ ટ્રમ્પ સરકારે તૈયાર રહેવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like