બલુચીઓ પર પાક. દળોના હુમલાઃ ૧૯ને મોતને ઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: બલુચિસ્તાન રિપબ્લિકન પાર્ટીના નેતા અબ્દુલ નવાઝ બુગતીના જણાવ્યા અનુસાર પાકિસ્તાની લશ્કરી દળોએ બલુચિસ્તાનના લોકો પર પોતાના અત્યાચારો વધારી દીધા છે. બુગતીએ જણાવ્યું છે કે પાકિસ્તાનના લશ્કરી દળો દ્વારા ફરીથી શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં ૧૯ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

બુગતીએ એવો આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાનના લશ્કરી દળો દ્વારા ડેરા બુગતી સહિત બલુચિસ્તાનના વિવિધ ભાગોમાંથી બલુચી મહિલાઓ, બાળકો સહિત સામાન્ય નાગરિકોનાં અપહરણ કરવામાં આવે છે. બુગતીએ જણાવ્યું છે કે તેમનાે પરિવાર ભૂખમરાની સ્થિતિમાં મુકાઈ ગયો છે, કારણ કે પાકિસ્તાની લશ્કર તેમને પોતાના પરિવાર સાથે સંપર્ક કરવા દેતી નથી.

બલુચિસ્તાનના નસીરાબાદ વિસ્તારમાં પાકિસ્તાની લશ્કર દ્વારા સામાન્ય લોકો પર અત્યાચારો અને દમન ગુજારવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું છે કે હવે સમય આવી ગયો છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા બલુચિસ્તાનના લોકો પર પાકિસ્તાની લશ્કરનાં દમન અને અત્યાચાર સામે અવાજ બુલંદ કરે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે બલુચી નાગરિકોને પાકિસ્તાન લશ્કરના અત્યાચારોમાંથી બચાવવા જોઈએ.

You might also like