પરમાણુ હથિયાર મામલે પાક. ત્રીજો સૌથી મોટો દેશ બની શકે છેઃ સેના નિષ્ણાત

ઈસ્લામાબાદ: આગામી થોડા સમયમાં જ પાકિસ્તાન પરમાણુ હથિયાર ધરાવવાના મામલે વિશ્વનો સૌથી ત્રીજો મોટો દેશ બની જશે. તેમ સમાચાર સંસ્થા એએનઆઈએ સૈન્ય ઈતિહાસ અને વૈશ્વિક બાબતોના જાણકાર જોસેફ મિકલેફના હવાલાથી દાવો કર્યો છે. અને તેના કારણે દક્ષિણ એશિયાના કેટલાંક દેશોની સ્થિરતા પર ખતરો ઊભો થઈ શકે તેમ છે.

પાકિસ્તાનનાં આ પગલાં અંગે મિકલેફે અન્ય તમામ દેશોને ચેતવણી આપતાં તેના લેખમાં જણાવ્યું છે કે જો પાકિસ્તાન સતત આ રીતે આગળ વધતું રહેશે તો આતંકવાદી સંગઠનોના હાથમાં પરમાણુ હથિયાર આવી જશે અને તેના કારણે વિશ્વના અન્ય દેશો માટે જોખમ ઊભું થઈ શકે તેમ છે.

મિકલેફે વધુમાં જણાવ્યું છે કે આમ પણ પાકિસ્તાનને તાલિબાન, તહરિક એ જેહાદી ઈસ્લામી, જૈશ એ મહંમદ અને લશ્કર એ તોઇબા તેમજ હિજબુલ મુજાહિદીન જેવાં આતંકવાદી સંગઠનો સાથે સંબંધ છે. તેથી તે આવાં હથિયારો આતંકીઓને આસાનીથી પૂરાં પાડી શકે તેમ છે. તેના કારણે આતંકવાદીઓ વિશ્વમાં આતંક ફેલાવી શકે તેમ છે.

કયા દેશો પાસે કેટલાં પરમાણુ હથિયાર?
એક અહેવાલ મુજબ પરમાણુ હથિયારના મામલે રશિયા વિશ્વમાં સૌથી આગળ છે. તેની પાસે ૬૮૦૦ પરમાણુ બોમ્બ છે. ત્યારબાદ અમેરિકા પાસે ૬૬૦૦, ફ્રાન્સ પાસે ૩૦૦, ચીન પાસે ૨૭૦, યુકે પાસે ૨૧૫, પાકિસ્તાન પાસે(હાલ) ૧૪૦, ભારત પાસે ૧૩૦ અને ઈઝરાયેલ પાસે ૮૦ પરમાણુ બોમ્બ છે.

You might also like