કાશ્મીરમાં નવું આતંકી સંગઠન રચવાની ફિરાકમાં પાકિસ્તાન

નવી દિલ્હી: કાશ્મીરમાં હિંસા અને આતંક ફેલાવવા માટે પાકિસ્તાન વધુ એક વાર પોતાની જૂની રણનીતિ તરફ આગળ વધી રહ્યું છે. કાશ્મીરમાં સ્થાનિક આતંકવાદીઓ અને અલગતાવાદીઓ વચ્ચે વધતા જતા મતભેદોના કારણે ગુપ્તચર એજન્સીઓને એવો શક ગયો છે કે સીમા પાર બેઠેલા આતંકના સૂત્રધારો કાશ્મીર ખીણમાં કોઇ નવા આતંકી સંગઠનને એક્ટિવ કરવાનું પ્લા‌િનંગ કરી રહ્યા છે, જેનું ફોકસ હિઝબુલ મુજાહિદ્દીનના પૂર્વ કમાન્ડર ઝાકિર મુસા પર છે.

ગુપ્તચર સૂત્રોનાં જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સપ્તાહથી જારી કરવામાં આવી રહેલાં નિવેદનો અને સોશિયલ મીડિયા પરથી મળી રહેલા નિર્દેશો એ વાતનો સંકેત આપે છે કે પાકિસ્તાન હવે કાશ્મીરમાં કોઇ નવું આતંકી સંગઠન રચવાની ફિરાકમાં છે.

પાકિસ્તાન ફરી એક વાર કાશ્મીર માટે ૧૯૯૦ના દાયકાની રણનીતિ અપનાવી રહ્યું છે, જયારે એકમાત્ર આતંકી સંગઠન જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના સ્થાને કેટલાય નવા આતંકી સંગઠનો ફૂટી નીકળ્યાં હતાં.  ૯૯૩-૯૪ સુધી કેટલાય આતંકી સંગઠનો અસ્તિત્વમાં આવી ગયાં હતા. ૩-૪ મેના રોજ સોશિયલ મીડિયા પર નવ નકાબધારી આતંકવાદીઓની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. જેમના હાથમાં આઇએસના ઝંડાને મળતો આવતો કાળા રંગનો ઝંડો હતો. જોકે આ ઝંડા પર માત્ર ઇસ્લામિક કલમા લખ્યા હતા અને સાથે જ તેના પર એકે-૪૭નું નિશાન પણ હતું.

ટોચની ગુપ્તચર એજન્સીઓને એમ લાગી રહ્યું છે કે આવું કરવા પાછળ અહીંના સ્થાનિક આતંકવાદીઓની ઇચ્છા સ્વયંને આઇએસ બ્રાન્ડથી અલગ બતાવવાની છે.
http://sambhaavnews.com/

You might also like