પાણીમાં બેઠું પાકિસ્તાન કારણ કે…

બર્મિંગહમઃ અહીંના અજબેસ્ટન મેદાન પર ગઈ કાલે રમાયેલા મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રોમાંચક મેચની આશા રાખવામાં આવી રહી હતી એ જોવા મળી નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશાં શ્વાસ અધ્ધર કરી દેનારી હોય છે, પરંતુ ગઈ કાલ રમાયેલી મેચ સંપૂર્ણપણે એકતરફી હતી. પાકિસ્તાનની ઇનિંગ્સની ૨૦ ઓવર બાદ લગભગ નક્કી થઈ ગયું હતું કે પાકિસ્તાન હારી રહ્યું છે અને એ જ થયું. પાકિસ્તાનનો ૧૨૪ રને કારમો પરાજય થયો.
પાકિસ્તાની બોલર્સ પર ભારતના બેટ્સમેન ભારે પડ્યા.

પાકિસ્તાની બોલર્સ પાસે વધુ અનુભવ નહોતો. વહાબ રિયાઝને બાદ કરતાં વર્તમાન ટીમના કોઈ પણ બોલર્સે ૫૦થી વધુ વન ડે મેચ રમી નથી, પરંતુ અનુભવી હોવા છતાં વહાબ રિયાઝે ૮.૪ ઓવરમાં ૮૭ રન લૂંટાવી દઈને એક નવો, પરંતુ અણગમતો રેકોર્ડ સર્જી દીધો. ચેમ્પિયન્સ ટ્રોફીની એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન દેવાના મામલામાં રિયાઝ હવે પહેલા સ્થાને પહોંચી ગયો છે. મોહંમદ આમિર ફક્ત ૩૨ વન ડે મેચ રમ્યો છે. આમિરે પાક. તરફથી સૌથી સારી બોલિંગ કરતાં ૮.૧ ઓવરમાં ફક્ત ૩૨ જ આપ્યા. પોતાની ૧૭મી મેચ રમી રહેલા હસન અલીએ ૧૦ ઓવરમાં ૭૦ રન આપ્યા. ૨૨મી મેચ રમી રહેલા ઇમાદ વસીમે ૯.૧ ઓવરમાં ૬૬ રન લૂંટાવ્યા. ફક્ત બીજી જ વન ડે રમી રહેલા શાદાબ ખાને ૧૦ ઓવરમાં ૫૨ રન ખર્ચી નાખ્યા.

પાક. રનની ગતિ રોકી ના શક્યું
પાકિસ્તાનના બોલર્સે શરૂઆતમાં સારી બોલિંગ કરતાં ભારત ૧૫ ઓવરમાં માત્ર ૬૬ રન જ બનાવી શક્યું હતું. ૩૦ ઓવર બાદ ભારતનો સ્કોર એક વિકેટે ૧૬૨ રન હતો, પરંતુ અંતિમ ૧૮ ઓવરમાં પાકિસ્તાનના બોલર્સે બહુ રન લૂંટાવ્યા. અંતિમ ૧૮ ઓવરમાં ભારતે ૧૫૭ રન ઝૂડી કાઢ્યા. પહેલી વિકેટના રૂપમાં ૬૫ બોલમાં ૬૮ રન બનાવીને આઉટ થયેલા શિખર ધવને પહેલા ૪૦ બોલમાં ૩૪ રન જ બનાવ્યા હતા, જ્યારે અંતિમ ૨૫ બોલમાં તેણે ૩૪ રન બનાવ્યા. વિરાટ કોહલીએ શરૂઆતના ૪૦ બોલમાં ૩૨ રન જ બનાવ્યા હતા અને અંતિમ ૨૮ બોલમાં ૪૭ રન ફટકાર્યા. વિરાટ કોહલી ૬૮ બોલનો સામનો કરીને ૮૧ રન અણનમ રહ્યો. યુવરાજસિંહે તોફાની બેટિંગ કરતાં ૩૨ બોલમાં જ ૫૩ રન ફટકારી દીધા. હાર્દિક પંડ્યાએ તો પાકિસ્તાની ટીમનું મનોબળ તોડી નાખતી વિસ્ફોટક બેટિંગ કરીને ફક્ત ૬ બોલમાં ત્રણ છગ્ગા સાથે ૨૦ રન ઝૂડી કાઢ્યા. ચોથી વિકેટ માટે કોહલી અને હાર્દિક વચ્ચે ૧૦ બોલમાં ૩૪ રનની ઝડપી ભાગીદારી નોંધાઈ. ભારત તરફથી જોકે થોડી ધીમી રમત રમતા રોહિત શર્માએ ૧૧૯ બોલમાં ૯૧ રન બનાવ્યા હતા.

પાક. બેટ્સમેનોનું ‘તું જા, હું  આવું છું…’
પાકિસ્તાની બોલર્સે રન લૂંટાવ્યા, જેની સામે ભારતના અનુભવી બોલર્સે શાનદાર બોલિંગ કરતાં પાકિસ્તાનના બેટ્સમેનોને ઘૂંટણ ટેકવવા મજબૂર કરી દીધા. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી શાનદાર બોલિંગ કરતાં ૭.૪ ઓવરમાં ફક્ત ૩૦ રન આપીને ત્રણ વિકેટ ઝડપી. ભુવનેશ્વરે પાંચ ઓવરમાં ૨૩ રન આપીને એક વિકેટ લીધી. જસપ્રીત બૂમરાહે પાંચ ઓવરમાં ફક્ત ૨૩ રન આપ્યા. રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ ૮-૮ ઓવર્સમાં ૪૩-૪૩ રન આપ્યા. પાક. તરફથી અઝહર અલીએ ૬૫ બોલનો સામનો કરીને સૌથી વધુ ૫૦ રન બનાવ્યા હતા. શોએબ મલિકને બાદ કરતાં પાકિસ્તાનનો કોઈ પણ બેટ્સમેન ૧૦૦થી વધુના સ્ટ્રાઇક રેટથી રન કરી શક્યો નહીં. મલિકે ફક્ત નવ બોલનો સામનો કરીને ૧૫ રન બનાવ્યા હતા.

વરસાદને કારણે પાકિસ્તાન પર દબાણ વધ્યું
મેચમાં વારંવાર વરસાદ પડવાના કારણે પાકિસ્તાન પર દબાણ વધતું ગયું હતું. વરસાદના કારણે ભારતને વધુ નુકસાન ના થયું. ૫૦ ઓવરના સ્થાને ભારતીય ટીમ ૪૮ ઓવર રમી. વરસાદના કારણે ડક્વર્થ-લૂઇસ નિયમ લાગુ પડ્યો, જે પાકિસ્તાનની વિરુદ્ધમાં ગયો. આ નિયમ અંતર્ગત પાકિસ્તાનને ૪૮ ઓવરમાં ૩૨૫ રનનું લક્ષ્ય આપવામાં આવ્યું. ફરી વરસાદ પડવાના કારણે ૪૧ ઓવરમાં ૨૮૯ રનનું નવું લક્ષ્ય પાક.ને મળ્યું, જે પાક.ને ભારે પડી ગયું.

http://sambhaavnews.com/

You might also like