શ્વાસ અધ્ધર કરી દેનારી ટેસ્ટમાં અંતે પાક.નો ૩૯ રને પરાજય

બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ પાકિસ્તાની બેટ્સમેન અસદ શફીકની લડાયક બેટિંગને કારણે શ્વાસ અધ્ધર કરી દેનારી અને અતિ રોમાંચક બની હતી. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા માટે આપેલા લગભગ અશક્ય કહી શકાય તેવા ૪૯૦ રનના લક્ષ્ય સામે અસદ શફીકે પૂછડિયા બેટ્સમેનોનો સહારો લઈને જબરદસ્ત લડાયક બેટિંગ કરી હતી, પરંતુ અંતે પાકિસ્તાનની ટીમ ૪૫૦ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ જતાં તેમનો ૩૯ રને પરાજય થયો હતો. ૨૦૭ બોલમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગા સાથે જબરદસ્ત બેટિંગ કરનાર અસદ શફીકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ડે-નાઇટ ટેસ્ટમાં ગઈ કાલે ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે પાકિસ્તાને આઠ વિકેટ ગુમાવીને ૩૮૨ રન બનાવી લીધા હતા. ગઈ કાલે મોહંમદ આમિર સાથે શફીકે સાતમી વિકેટની ભાગીદારીમાં ૯૨ રન નોંધાવ્યા હતા. આમિરે ૪૮ રન બનાવીને પોતાનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. ગઈ કાલની રમત બંધ રહી ત્યારે શફીક ૧૦૦ રને અને યાસિર શાહ ચાર રને અણનમ રહ્યા હતા.

આજે પાંચમા અને અંતિમ દિવસે શફીક અને યાસિર શાહે ઓસ્ટ્રેલિયાને જરાય મચક આપ્યા વિના લડાયક બેટિંગ ચાલુ કરી હતી. એક સમયે એવું તો લાગતું હતું કે પાકિસ્તાન ટેસ્ટ જીતી લઈને ઇતિહાસ સર્જશે, કારણ કે આ બંનેએ પાકિસ્તાનનો સ્કોર ૪૪૯ રન સુધી પહોંચાડી દીધો હતો અને જીત થોડે જ દૂર દેખાઈ રહી હતી, પરંતુ ત્યારે જ ઓસ્ટ્રેલિયાનો મુખ્ય ફાસ્ટ બોલર સ્ટાર્ક ત્રાટક્યો હતો અને તેણે લડાયક બેટિંગ કરી રહેલા અસદ શફીકને ૧૩૭ રને વોર્નરના હાથમાં ઝિલાવી દીધો હતો.

આ સાથે જ પાકિસ્તાનની ઐતિહાસિક જીત હાંસલ કરવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. ત્યાર બાદ ૪૫૦ રનના સ્કોર પર જ યાસિર શાહ ૩૩ રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો. આમ ૪૯૦ રનના લક્ષ્ય સામે પાકિસ્તાન ૪૫૦ રને ઓલઆઉટ થઈ જતાં તેમનો ૩૯ રનથી પરાજય થયો હતો.

home

 

You might also like